ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ શરૂ થઈ ગઈ છે, પાણીની સમસ્યા. વિચારો કે આવા ઉનાળામાં અઠવાડિયામાં માત્ર એક જ દિવસ પાણી મળે અને તે પણ થોડી મિનિટો માટે તો. ગીરના જેપુર ગામમાં વસતા લોકો આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા આજકાલથી નહીં પણ વર્ષોથી ચાલી આવે છે.
જેપુર ગામમાં 14 વર્ષ પહેલા સ્વજલધારા યોજના અંતર્ગત પાણીની પાઈપ નાખવામાં આવી હતી. જે કામગીરી હજી સુધી ચાલી રહી છે. માત્ર 500 મીટર જેટલા વિસ્તારમાં પાણીની પાઈપલાઈન નાખવાની બાકી છે, જે કામગીરી વર્ષોથી ખોરંભે ચઢી છે. વર્ષોથી ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારે છે.
તેમાં પણ ભર ઉનાળામાં તો એક ટીંપુ પાણી માટે લોકોને દૂર દૂર સુધી રઝળવુ પડે છે. ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે ગામલોકોને પાણી માટે વલખા મારવા પડે છે. બળબળતી ગરમીમાં પણ ગામની મહિલાઓને બેડા લઈને પાણી માટે રઝળરાટ કરવી પાડે છે ત્યારે માંડ એક બેડુ પાણી નસીબ થાય છે પરંતુ તંત્રને ગામના લોકોની આ સમસ્યા દેખાતી નથી.
આ પણ વાંચો: Gujarati Video: ચોટીલામાં 15 દિવસથી પાણી ન આવતા મહિલાઓ બેડા લઈ દૂર દૂર સુધી રઝળપાટ કરવા બની મજબુર
પાણી વિના ગામના લોકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે. તંત્રની જાણે કંઈ જવાબદારી ન હોય તેમ ગામલોકોની સમસ્યાને કાને ધરાતી નથી. પાણીની સમસ્યા અંગે સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નહીં આવતા આખરે ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…