ગુજરાતમાં શકિતપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ મુદ્દે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે શનિવારે આપેલું નિવેદન આજે ફેરવી તોળ્યું છે. તેમજ કહ્યું છે ચીક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે. જો કે શનિવારે મંત્રી ઋષિકેષ પટેલે ચિક્કીના પ્રસાદના ગુણગાન ગાયા હતા. તેમજ કહ્યું હતું કે મોહનથાળનો પ્રસાદ આઠ દિવસમાં બગડી જાય છે. જ્યારે ચીકીનો પ્રસાદ લાંબા સમય સુધી બગડતો નથી. જો કે તેમના આ નિવેદન બાદ રાજ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સંત સમાજે આકરી પ્રતિક્રિયા આપી હતી. જેમાં મંદિરના વહીવટમાં સરકાર હસ્તક્ષેપ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં શકિતપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને ઉભો થયેલો વિવાદ હવે રાજ્યના અન્ય શહેરોમાં પણ પહોંચ્યો છે. જેમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચાલી રહેલા પ્રસાદ વિવાદ મુદ્દે હવે VHP પણ મેદાનમાં ઉતર્યું છે.વિશ્વ હિન્દુ પરિષદે પણ પ્રસાદી બદલવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે રાજકીય લોકોના દબાણમાં આવીને આવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે VHPનાં પ્રદેશમંત્રી અશોક રાવલની ઉપસ્થિતમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં નગરદેવી ભદ્રકાળી મંદિરે અંબાજી મંદિરનાં વહીવટીતંત્રને સદબુદ્ધિ અર્પે તે હેતુથી પ્રાથર્ના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં ભદ્રકાળી મંદિરમાં માતાજીની સ્તુતિ કરી મોહનથાળ પ્રસાદનો વિતરણ કરવામાં આવ્યો છે. જેમાં 3 હજાર ગામોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમણે મોહનથાળ શરૂ થાય તેવી માગ કરી હતી. તેમણે કહ્યું કે આ આસ્થા સાથે જોડાયેલો વિષય છે. આ ઉપરાંત VHPએ પ્રસાદી મુદ્દે કલેક્ટર પર પણ નિશાન સાંધ્યું અને કહ્યું કે જો આ નિર્ણય કલેક્ટરે લીધો હોય તો તે આનંદ પટેલ નહીં પણ અબ્દુલ પટેલ છે. VHPએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ નિર્ણય બદલવામાં નહીં આવે અને જરૂર પડશે તો વિશ્વ હિન્દુ પરિષદ રસ્તા પર પણ ઉતરશે.