નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયો જાહેર કરીને અલગ ભિલીસ્તાનની માગ કરી છે.ચૈતર વસાવાનો આરોપ છે કે વિકાસના નામે આદિવાસી સંસ્કૃતિને નામશેષ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.તેઓનો દાવો છે કે બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને આપવામાં આવેલા વિશેષ દરજ્જાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. અલગ ભિલીસ્તાનની માગ સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના આદિવાસીઓને એક કરવામાં આવશે અને પક્ષા પક્ષીથી દૂર રહીને રાજકીય, સામાજીક અને ધાર્મિક આગેવાનોને જોડીને ભિલપ્રદેશની માગનો અવાજ બુલંદ કરાશે.
તો અહીં સવાલ એ સર્જાય કે કેમ ચૈતર વસાવાએ અલગ ભિલીસ્તાનની માગ કરી,,,તો આ સવાલનો પણ આપને જવાબ આપી દઇએ. ચૈતર વસાવાનો આરોપ છે કે આદિવાસી વિસ્તારોમાં પાછલા કેટલાક વર્ષોથી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારોનું અતિક્રમણ વધ્યું છે.જેના પગલે આદિવાસીઓના હક સાથે જંગલ, જમીન અને જળની પ્રાકૃતિક સંપદાને નષ્ટ કરવામાં આવી રહી છે.ત્યારે આદિવાસીઓનો હક અબાધિત રહે, અને આદિવાસી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે તે માટે અલગ ભિલીસ્તાનની માગ કરાઇ છે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતની સ્થાપના સમયથી ભીલો માટે અલગ રાજ્યની માગ ઉઠતી રહી છે. આ સિવાય રાજ્યમાંથી અલગ સૌરાષ્ટ્ર તથા કચ્છની પણ માગ સમયાંતરે ઉઠતી રહે છે.અગાઉ ચૂંટણી સમયે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ પણ અલગ ભિલીસ્તાનની માગને પ્રબળ કરી હતી.રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજની માગ છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેમની બહુમતીવાળા વિસ્તારોને જોડીને ‘અસ્મિતા અને ઓળખ’ આધારિત નવા રાજ્યનું ગઠન કરવામાં આવે.ત્યારે જોવાનું એ રહે છેકે આદિવાસીઓની આ માગ કેટલી પ્રબળ બને છે.
આ પણ વાંચો : Mahavir Jayanthi : ભારતમાં જોવા લાયક છે આ 5 જૈન મંદિરો, એક તો ગુજરાતમાં આવેલું છે, જાણો એકવાર દર્શને જવા જેવા મંદિર