Gujarati Video: હિંમતનગરમાં ગેરકાયદે મટન વેચતી 8 દુકાનોને કરાઈ સીલ, લાયસન્સ વગરના દુકાનધારકો સામે કાર્યવાહી

|

Feb 06, 2023 | 7:12 PM

Sabarkantha: હિંમતનગરમાં લાયસન્સ વગર ગેરકાયદે રીતે મટન વેચતી 8 દુકાનો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ દુકાનોને સીલ કરવા સહિતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

સાબરકાંઠામાં હિંમતનગરમાં પાલિકા તંત્રએ ગેરકાયદે મટન વેચતી દુકાનો સામે લાલ આંખ કરતા 8 દુકાનોને સીલ કરી છે. જેમાં છાપરિયા વિસ્તારમાં સાત અને મોતીપુરામાં એક મળી કુલ 8 મટનની દુકાનોને સીલ કરાઈ છે. હિંમતનગર પાલિકા તંત્રએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સીલ મારવાનું અભિયાન શરૂ કર્યુ છે. આગામી સમયમાં લાયસન્સ વગરની તમામ દુકાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગેરકાયદે ચાલતા કતલખાના અને મટન શોપ બંધ કરવા માટે હાઈકોર્ટે પણ આદેશ કર્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ હિંમતનગર પાલિકા દ્વારા સોમવારે 8 દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ પાલિકા દ્વારા 39 જેટલી દુકાનોને નોટિસ આપી જાણ કરી હોવા છતા ગેરકાયદ રીતે મટનશોપ ચલાવતા વેપારીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરાઈ છે. પાલિકા દ્વારા આગામી દિવસોમાં વધુ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.

39 દુકાનદારોને પાલિકાએ આપી હતી નોટિસ

શહેરના છાપરીયા, હોરવાડ, હુસૈની ચોક સહિતના વિસ્તારોમાં કેટલાક વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મટન શોપ શરુ કરીને તેમાં મટન સહિતનું વેચાણ કરવામાં આવતું હતું. આવા વેપારીઓએ પાલિકાના ગુમાસ્તા ધારાનું લાઈસન્સ તેમજ ખોરાક અને ઔષધ નિયમન વિભાગની મંજુરી પણ લીધી ન હતી.

આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લી માટે સારા સમાચાર, સાબર યુનિવર્સિટીનુ સપનુ જલદી સાકાર થશે, હુડા લાગુ કરાશે

થોડા દિવસ અગાઉ જ ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદેસર ધમધમતા કતલખાના અને મટન શોપ બંધ કરવા માટેના આદેશો આપ્યા હતા. જેને ધ્યાને લઈ હિંમતનગર પાલિકાએ 39 દુકાનદારોને નોટીસ આપી હતી.

Next Video