Banaskantha: પાલનપુર, દાંતીવાડા, અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી

|

Aug 16, 2022 | 9:18 AM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) બાદ પાણી ભરાઇ ગયા છે. મોડીરાતથી વરસાદી માહોલ રહેતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

મેઘરાજાએ સમગ્ર ગુજરાતને (Gujarat) ધમરોળ્યુ છે. ગઇકાલથી શરુ થયેલા વરસાદ (Rain) બાદ રાજ્યના અનેક જિલ્લાઓ પાણી પાણી થઇ ગયા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાઇ ગયા છે. મોડીરાતથી વરસાદી માહોલ રહેતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અંબાજી અને પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો દાંતીવાડામાં બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં દાંતિવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે હડમતિયા ડેમમાં નવા નીર આવ્યા છે. તો બીજી તરફ વાવધરા અને ચોડુગરીના નદી-નાળા વહેતા થયા છે. તો ખેતરો પણ વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા છે. બનાસકાંઠાના થરાદ, લાખણી, દિયોદર, કાંકરેજમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. મોડીરાતથી વરસાદી માહોલ રહેતા રસ્તાઓ પર નદી વહેતી હોય તેવી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થરાદ અને લાખણીના ખેતરોમાં પણ પાણી ભરાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં અંબાજી પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદ બાદ અંબાજીના અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. કોઝવે પાણીમાં ગરકાવ થતાં રાહદારીઓને પરેશાની થઇ રહી છે. કોટેશ્વર પાસેની નદીમાં પાણીનો પ્રવાહ વધતા કુકડીફળીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તો પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુરના જગાણા પાસે આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઇ ગયા છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. મહત્વનું છે કે, નવા બનાવાયેલા આ અંડરબ્રિજમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Next Video