Rain update : ગુજરાતમાં 205 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડબ્રહ્મામાં 6 ઈંચ વરસાદ

|

Sep 15, 2022 | 12:41 PM

છેલ્લા 24 કલાક એટલે કે 14 સપ્ટેમ્બર સવારે 6 કલાકથી 15 સપ્ટેમ્બર સવારે 6 કલાક સુધીમાં રાજ્યના 205 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. જેમાંથી 91 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે.

ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની મહેર સતત વરસી રહી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક એટલે કે 14 સપ્ટેમ્બર સવારે 6 કલાકથી 15 સપ્ટેમ્બર સવારે 6 કલાક સુધીમાં રાજ્યના 205 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 91 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સુરેન્દ્રનગરના સાયલામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં 3.5, મોડાસામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપી, ગઢડા અને બાબરામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે.

ચાર કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

તો આજે એટલે 15 સપ્ટેમ્બરે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વરસાદની વાત કરીએ તો ચાર કલાકમાં જ 107 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાંથી 47 તાલુકામાં અડધા ઇંચથી લઇને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સુરત, ગીરસોમનાથ, વલસાડ, રાજકોટ અને અમરેલીમાં ચાર કલાકમાં જ બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. વરસાદના પગલે આ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હજુ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૈારાષ્ટ્રના (saurashtra) દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના (South gujarat) કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ (heavy rain) થવાની સંભાવના છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

Next Video