લોક ગાયક દેવાયત ખવડની મુશ્કેલી વધી છે. ખવડની નિયમિત જામીન અરજી હાઇકોર્ટે ફગાવી છે. કેસમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ અરજી કરી શકાશે તેવી હાઈકોર્ટે છૂટ આપી છે. મયુરસિંહ રાણા પર હુમલા કરવાના કેસમાં દેવાયત ખવડ છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે. એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ 307ના ગુનામાં દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. દેવાયત ખવડ સાથે તેના બે સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
7 નવેમ્બરના રોજ દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર અગાઉની બોલાચાલીની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં મયુરસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. પાર્કિંગ જેવી સામાન્ય બાબતને લઈને મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેમના સાગરિતોએ હુમલો કર્યો હતો. આ હુમલો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠને કારણે જ તેની ધરપકડ કરવામાં આવતી નથી. હુમલા બાદ 9 દિવસથી દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર હતા.
ફરિયાદીએ ન્યાય માટે PMOમાં ફરિયાદ કરતા દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા A ડિવિઝન પોલીસે તેનો કબ્જો લઇ સત્તાવાર ધરપકડ કરી લીધી હતી. ફરિયાદી મયુરસિંહે PMOમાં કરેલી ફરિયાદમાં 2021માં થયેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તથા આ મામલે તટસ્થ તપાસની માગ કરી છે.
Published On - 4:43 pm, Fri, 3 February 23