સ્કૂલ ચલે હમ : રાજ્યમાં જલ્દી જ ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ થશે, જાણો શું કહ્યું શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે શિક્ષણ વિભાગ શાળાઓ ખોલવા તૈયાર છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડા દિવસ બાદ શરૂ કરવાની વિચારણા છે.
GANDHINAGAR : આજે 10 નવેમ્બરને બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબીનેટ બેઠક યોજાઈ હતી. આ કેબીનેટ બેઠકમાં અનેક મહત્વના વિષયો પર ચર્ચા થઇ અને નિર્ણયો પણ લેવામાં આવ્યાં. આજે યોજાયેલી કેબીનેટ બેઠક વિશે પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે શિક્ષણ વિભાગ શાળાઓ ખોલવા તૈયાર છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડા દિવસ બાદ શરૂ કરવાની વિચારણા છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે જેમાં 10થી વધુ લોકો હશે, આ કમિટીમાં નિષ્ણાત અને વિશેષજ્ઞોને સ્થાન આપવામાં આવશે. કમિટીના વિચાર વિમર્શ બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આ સાથે જ કેબીનેટ બેઠકના નિર્ણયો અંગે જણાવતા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગનું નામ બદલવામાં આવ્યું છે. હવે આ વિભાગ “શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ” તરીકે ઓળખાશે. વિભાગનું નામ બદલવા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
તો સાથે જ રાજ્ય સરકાર દ્વારા નિરામય યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત મમતા કાર્ડની જેમ નિરામય કાર્ડ બનાવવમાં આવશે. જેમાં વિવિધ રોગોનું સ્ક્રીનિંગ શરૂ થશે. નિરામય યોજના અંતર્ગત દર શુક્રવારે સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી દીધી છે.
તો કેબીનેટ બેઠકમાં વાઈબ્રન્ટ સમીટ પહેલા પીએમ મોદીના ગતિ શક્તિ પ્રોજેકટ અંગે ચર્ચા થઈ. 12 નવેમ્બરે આ પ્રોજેક્ટનું મુખ્યપ્રધાન લોન્ચિંગ કરાવશે.રાજ્ય સરકાર દ્વારા 18 થી 20 નવેમ્બર દરમિયાન આત્મનિર્ભર ગ્રામયાત્રા શરૂ કરવામાં આવશે અને આ દરમિયાન 500 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. તો અ સાથે જ રાજ્યમાં શરૂ થયેલી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મગફળીના ટેકાના ભાવ ખેડૂતોને ડિજિટલ પેમેન્ટ મારફતે 2થી 3 દિવસમાં મળી જાય એવા પ્રયાસ ચાલી રહ્યા છે, એમ શિક્ષણપ્રધાને જણાવ્યું છે.