ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : પ્રથમ તબક્કાના મતદાન માટે આજે પ્રચાર પડઘમ શાંત થવાના છે. જો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ નેતાઓનો બફાટ પણ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે પાટણના કોંગ્રેસ ઉમેદવાર સામે અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ કરી છે. રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમયમાં કિરીટ પટેલે સભા કરતા નોડલ ઓફિસરે કાર્યવાહી કરી છે.
બીજી તરફ પાટણના AAP ના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે FIR નોંધાવી છે. AAPના ઉમેદવાર લાલેશ ઠક્કર સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવતા હોવાનો આક્ષેપ છે. જેના પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે પોલીસ ફરીયાદ નોંધાવી છે. કિરીટ પટેલના નામે ખોટી પોસ્ટ વાયરલ કરી સમાજમાં ખોટો ભ્રમ પેદા કરતા હોય તેવો AAPના ઉમેદવાર સામે આરોપ છે. કિરીટ પટેલના નામે ઠાકોર સમાજના મતદારો વહેંચાઇ જાય છે તે પ્રકારના સમાચારપત્રનો ફોટો વાયરલ થયો હતો. જે ફોટો AAPના ઉમેદવાર લાલેશ ઠાકોરે કર્યો હોય તેવો દાવો થઈ રહ્યો છે.
તો આ તરફ વડોદરાના જરોદ ગામે જાહેર સભાને સંબોધતા મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વાણી પર કાબૂ ગુમાવ્યો છે. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે મધુ શ્રીવાસ્તવે અભદ્ર ટિપ્પણી કરી હતી. વિવાદિત નિવેદન આપતા કહ્યું- 7 નંબર પર બટન દબાવજો. 6 નંબરનો ઉમેદવાર કેવો છે તે આપ જાણો છો એટલે તેમને મત આપતા નહીં. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ચૂંટણી ક્રમાંક છ નંબર છે. મધુ શ્રીવાસ્તવનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તો આ તરફ કોંગ્રેસના દરિયાપુરના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની પણ મુશ્કેલી વધી શકે છે, કારણ કે મદદનીશ ચૂંટણી અધિકારીએ ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ છે કે તેમના વિસ્તારમાં વહેંચેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવતા ચૂંટણી પંચે આ બાબતની નોંધ લીધી છે. તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપ દ્વારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. સભામાં મહાદેવ-અલ્લાહના નારા લગાવીને તેણે આચારસંહિતાનો ભંગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.