Gujarat Election 2022: ચૂંટણી સમયે રસી પર રાજકારણ, કોંગ્રેસના શક્તિસિંહે કહ્યું ભાજપે વેક્સિનના આંકડામાં કરી ગોલમાલ, ભાજપે નકાર્યા આક્ષેપ

|

Nov 25, 2022 | 8:09 PM

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કોરોના રસી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યુ કે ગુજરાતમાં કોરોના રસી આપવામાં પણ ખોટી માહિતી આપી છેતરપિંડી કરવામાં આવી છે તો અમિત શાહે જણાવ્યુ કે કોંગ્રેસ રસી મુદ્દે પણ રાજકારણ કરે છે.

ગુજરાત ચૂંટણીમાં હવે કોરોનાની રસી મુદ્દે પણ આક્ષેપ પ્રતિઆક્ષેપોનો મારો શરૂ થયો છે. કોરોનાકાળ દરમિયાન ભારતમાં વેક્સિનેશન પૂરજોશમાં થયુ. 219 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હોવાનું કોવિડ વેબસાઈટ પર જોઈ શકાય છે. આ આંકડા પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાજપને ઘેરી છે. શક્તિસિંહે મીડિયા સમક્ષ અભેલાઈ ગામમાં અપાયેલી રસીની શીટ બતાવી હતી અને આક્ષેપ કર્યો કે ભાજપે લોકો સાથે છેતરપિંડી કરી છે. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન આપવામાં આવી તેમાં અનેક લોકોના નામ સામે એક જ મોબાઈલ નંબર છે.

ગુજરાત ચૂંટણીમાં કોરોનાની રસી મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ

વધુમાં શક્તિસિંહે આરોપ લગાવ્યો કે વેક્સિન લેનારની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ ન હોવાનો પણ આક્ષેપ કર્યો. શક્તિસિંહે સવાલ કર્યો કે શું આ ગુજરાતના લોકો સાથે છેતરપિંડી નથી? ભાજપ પર લોકોએ ભરોસો મુક્યો, પરંતુ તે ભરોસો ભાજપે તોડ્યો છે. આ સાથે કોંગ્રેસે માગ કરી કે છે કે હાઈકોર્ટના સિટીંગ જજ આ સમગ્ર કેસની તપાસ કરે.

અમિત શાહે કોંગ્રેસના પ્રહાર મુદ્દે કર્યો પલટવાર

આ તરફ શક્તિસિંહના આરોપ બાદ અમિત શાહે કોરોના રસી મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. કોરોનાકાળમાં પણ કોંગ્રેસ રસી મુદ્દે રાજકારણ કર્યુ તેવો અમિત શાહે પ્રહાર કર્યો. સાથે જ કહ્યું કે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કોરોના રસીને ભાજપ અને મોદીની રસી કહી. દેશના કરોડો લોકોએ રસી લીધી છે. રાહુલ ગાંધી રાત્રિના અંધારામાં જઈ ગુપચુપ રસી લઈ આવ્યા હતા તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.

 

 

 

Published On - 8:05 pm, Fri, 25 November 22

Next Video