Gujarat Election: કોંગ્રેસ નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર ભાજપમાં સામેલ, સી. આર. પાટીલના હસ્તે ધારણ કર્યો કેસરિયો

|

Aug 17, 2022 | 1:08 PM

કોંગ્રેસના (Congress) નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર હવે ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે નરેશ રાવલ અને રાજુ પરમારે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં પક્ષ પલટાની ઋતુ પણ જોવા મળી રહી છે. એક તરફ ભાજપ (Gujarat BJP) આગામી વિધાનસભા ચૂંટણીને પગલે સંગઠનને મજબૂત કરવા માટે રાત – દિવસ એક કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓમાં અંદરો – અંદરનો ગજગ્રાહ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા વધુ એક વાર ભંગાણ પડ્યુ છે. મહેસાણા જિલ્લાના કોંગ્રેસ નેતા નરેશ રાવલ (Naresh raval) અને પૂર્વ સાંસદ રાજુ પરમાર (Raju Parmar) કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ભાજપમાં જોડાયા છે. તો NCPના નેતા અને અન્ય કેટલાક લોકોએ પણ આજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.

કોંગ્રેસના નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર હવે ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે નરેશ રાવલ અને રાજુ પરમારે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેમની સાથે અન્ય કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાઇ ગયા છે. નરેશ રાવલ અને રાજુ પરમારને અહેમદ પટેલના ગ્રુપના નેતાઓ માનવામાં આવે છે. તેઓ સતત અહેમદ પટેલની સાથે જોવા મળતા હતા. જો કે અહેમદ પટેલના નિધન બાદ કેટલાક નેતાઓએ કોંગ્રેસ છોડી છે. તેમ હવે નરેશ રાવલ અને રાજુ પરમારે પણ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપને સાથ આપવાનું નક્કી કર્યુ છે.

રાજુ પરમાર દલિત સમાજ પર પ્રભુત્વ ધરાવતા નેતા છે. સાથે જ મુસ્લિમ સમાજ સાથે પણ તે ઘણા સમય સુધી જોડાયેલા રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં દલિત વોટબેંક એકત્ર કરવાની રણનીતિ હેઠળ રાજુ પરમારને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ નરેશ રાવલે પણ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષમાં અવગણનાને કારણે નરેશ રાવલ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા હતા. જેને કારણે તેમણે કોંગ્રે પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યારે નરેશ રાવલ અને રાજુ પરમાર જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામાથી કોંગ્રેસને ફટકો પડી શકે છે.

Next Video