Breaking News : ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ, ગૌતમ સોલંકી મુખ્ય આરોપી, 12 ઝડપાયા

ભાવનગરમાં નકલી દારૂના કેસમાં મોટો વળાંક આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની તપાસ બાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

| Updated on: Aug 19, 2026 | 9:51 PM

ભાવનગરમાં નકલી દારૂ કેસમાં કાયદાકીય કાર્યવાહી વધુ ઉગ્ર બની છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ બાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં કુલ 21 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત અન્ય 20 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વરતેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલા ખરકડી ગામે ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા હતા. આ સંદર્ભે શરૂઆતમાં અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરીને તપાસ ચાલુ કરવામાં આવી હતી. જોકે, સરકાર તરફે હવે 21 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા આ મામલે અત્યાર સુધીમાં 12 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. વરતેજ પીઆઈ દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં ગુનો દાખલ થયા બાદ તેની વધુ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સોંપવામાં આવી છે. આ નકલી દારૂના નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રોકાણકારોના જબરદસ્ત પ્રતિસાદથી લલિતા જ્વેલરી IPOએ સર્જ્યો નવો રેકોર્ડ

Follow Us
Loading...
Unable to load recommendations.