PSI ભરતી પ્રક્રિયા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સરકારનું નિવેદન, ”26 મેના રોજ મુખ્ય પરીક્ષા નહીં યોજાય”

|

May 11, 2022 | 6:04 PM

અરજદારોએ (Applicants) દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની હાઇકોર્ટમાં (High Court) ફરિયાદ કરાઈ છે.

ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) પીએસઆઈની ભરતી પ્રક્રિયાને લઈને રાજ્ય સરકારે (State Government) મોટું નિવેદન આપ્યું છે. હાઈકોર્ટમાં સરકારી વકીલે જણાવ્યું કે ફિઝિકલ અને મેઈન પરીક્ષાની તારીખો હજુ સુધી નક્કી કરાઈ નથી. 26 મેના રોજ મેઈન પરીક્ષા યોજાશે તેવી અરજદારની (Applicant) ધારણા હાલ સાચી નથી. આ સાથે અરજદારોએ પણ કોર્ટમાં રજૂઆત કરી કે જો પરીક્ષા યોજાવાની ન હોય તો આ કેસ વેકેશન બાદ સાંભળવામાં આવે તો પણ અરજદારોને વાંધો નથી.

અરજદારોએ દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની કોર્ટમાં ફરિયાદ કરાઈ છે. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં ન આવ્યો હોવાની તેમાં રજુઆત કરવામાં આવી છે. ત્યારે આ કેસને લઈને રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે મેરીટ ક્રમાંકમાં 3 ગણા ઉમેદવારો બોલાવવાની અરજદારોની માંગણીઓ પર 18મી સુધીમાં જવાબ રજૂ કરવામાં આવશે. જે બાદ કોર્ટે સરકારને 18 મે સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ 18 મેના રોજ હવે વધુ સુનાવણી હાથ ધરાશે.

મહત્વનું છે કે GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC, OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ તેવી અરજદારોની રજુઆત છે. પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં મેરીટવાળા અનામત કેટેગરીના ઉમેદવારોનું જનરલ કેટેગરીમાં માઈગ્રેશન ના થઈ શકે, માત્ર મેઈન એક્ઝામમાં જ આ નિયમ લાગુ પડી શકે એવી પણ અરજદારોએ રજુઆત કરી છે. ત્યારે સમગ્ર મામલે હવે 18 મેના રોજ સુનાવણી હાથ ધરાશે.

Next Video