ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્તાઓની કરાશે મરામત ! સરકારે 508.64 કરોડ રૂપિયાની કરી ફાળવણી

|

Sep 23, 2022 | 2:23 PM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા રાજ્યમાં રસ્તાઓના રિસરફેસીંગ કામો માટે 508.64 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગને (Roads and Buildings Department) આ નાણાંની ફાળવણી કરવામાં આવશે.

ગુજરાતમાં ચોમાસા (Monsoon 2022) બાદ અનેક માર્ગોની હાલત બિસ્માર થઇ ગઇ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા રાજ્યમાં રસ્તાઓના રિસરફેસીંગ કામો માટે 508.64 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપવામાં આવી છે. નાગરિકો સુવિધાયુકત સલામત અને સુરક્ષિત મુસાફરી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગને (Roads and Buildings Department) આ નાણાંની ફાળવણી કરવામાં આવશે. બીજી તરફ 2763 કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ. 1762 કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે.

ધીમી ગતિના કામો પણ વેગ પકડશે

સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર થયેલા 98 રસ્તાઓના કુલ 756 કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામ કરવામાં આવશે. આ કામ તાત્કાલિક ધોરણે શરુ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. તેની સાથે જ અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે કુલ 5790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ. 5986 કરોડના કામો પણ આગળ ધપાવવામાં આવશે. રસ્તાઓના આ તમામ કામો માટે 508.64 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે.

કામો પુરા કરવા માટે કોઇ સમય મર્યાદા નહીં

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખરાબ રસ્તાઓનું કામ તાત્કાલિક શરુ કરવા જણાવી દેવામાં આવ્યુ છે. જો કે રાજ્ય સરકાર દ્વારા કોઇ સમય મર્યાદા આપવામાં આવી નથી. જો કે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીને ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે એક મહિનાની અંદર જ કામો પૂર્ણ થઇ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોના નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુદ્રઢ તેમજ સંગીન કરવા માર્ગ-મકાન વિભાગને આપેલા દિશાનિર્દેશોને પગલે આ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

(વીથ ઇનપુટ-કિંજલ મિશ્રા,ગાંધીનગર)

Published On - 1:26 pm, Fri, 23 September 22

Next Video