Gandhinagar : રાજ્યમાં 50,000 રખડતાં આખલાનું ખસીકરણ કરવાનો નિર્ણય

| Edited By: | Updated on: Jan 12, 2023 | 11:01 AM

આખલાઓના ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે.

રાજ્યમાં રખડતા પશુઓ અને આખલાના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા મહત્વનો નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં આખલાઓના ખસીકરણ માટે ઝુંબેશ ચલાવવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકા, 156 નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ખસીકરણની કાર્યવાહી કરાશે. આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર-સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેના માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં કુલ 105 કેટલ પોન્ડ કાર્યરત કરવામાં આવ્યા છે.

આખલાઓના ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. ખસીકરણ બાદ આખલાઓને ગૌ માતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલાશે.

કેબિનેટની બેઠકમાં જમીન રી -સરવે અંગે  પણ લેવાયો નિર્ણય

કેબિનેટની બેઠકમાં જમીન રી-સરવે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે જૂની સરકારના જમીન રી-સરવે રદ કર્યા છે.. સરકાર નવેસરથી જ જમીન માપણી કરાવશે. જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સરવેના વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. જેને પગલે હવે સમગ્ર રાજ્યમાં આધુનિક ટેક્નોલોજી અને આધુનિક સાધનો વડે જમીનનો રી-સરવે કરવામાં આવશે.

ગુજરાત સરકારના આ નિર્ણયથી અગાઉ કરાયેલા સરવે માટે ચૂકવાયેલી 700 કરોડની રકમ પાણીમાં ગઈ છે. મહત્વનું છે કે સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો મળી હતી. જૂના સરવેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા. જેની  બાદ સરકારે ફરીથી રી-સરવેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે.