Gujarati Video: બરોડા ડેરી નિયામક મંડળીએ MLA કેતન ઈનામદારના આક્ષેપોને ફગાવ્યા, કહ્યું-બરોડા ડેરી જે ભાવ આપે છે તે એકદમ યોગ્ય છે
Vadodara News : નિયામક મંડળના કહેવા પ્રમાણે બરોડા ડેરી તરફથી જે ભાવો આપવામાં આવે છે તે યોગ્ય છે. સાથે જ નિયામક મંડળના કહેવા પ્રમાણે બરોડા ડેરી સાથે સંકળાયેલી વિવિધ દૂધ મંડળીઓનો ભાવ મુદ્દે અભિપ્રાય માગવામાં આવ્યો છે.
બરોડા ડેરીમાં પોષણ ક્ષણ ભાવ ન મળવા મુદ્દે વિવાદ સર્જાયો છે. ત્યારે આ અંગે બરોડા ડેરી નિયામક મંડળે સ્પષ્ટતા કરી છે. બરોડા ડેરીના નિયામક મંડળે ધારાસભ્ય કેતન ઈનામદારના આક્ષેપોને રદિયો આપ્યો છે. ઈન્ચાર્જ ચેરમેન જી બી સોલંકીએ જણાવ્યુ કે ગુજરાતના 19 સંઘ છે, તમામ સંઘમાં દુધનો કિલોફેટે ભાવ જુદો જુદો છે. જેના કારણો પણ જુદા જુદા છે. દરેક ડેરીના કાર્યક્ષેત્રમાં ગાય અને ભેંસનું પ્રમાણ પણ સરખુ નથી હોતુ. દુધ સંઘમાં આવતુ દુધ પણ સરખુ નથી હોતુ. તેના એવરેજ ફેટ અને SNF પણ અલગ હોય છે.
બરોડા ડેરી નિયામક મંડળે પત્રકાર પરિષદ યોજી
નિયામક મંડળના કહેવા પ્રમાણે બરોડા ડેરી તરફથી જે ભાવો આપવામાં આવે છે તે યોગ્ય છે. સાથે જ નિયામક મંડળના કહેવા પ્રમાણે બરોડા ડેરી સાથે સંકળાયેલી વિવિધ દૂધ મંડળીઓનો ભાવ મુદ્દે અભિપ્રાય માગવામાં આવ્યો છે. આ માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને જો દૂધ મંડળીઓ સહમત હશે તો બરોડા ડેરી દૂધના ભાવમાં વધારો કરવા તૈયાર છે.
કેતન ઈનામદારે લગાવ્યા હતા આક્ષેપ
તો બીજી તરફ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના શાસકો સામે ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. તેમણે અલ્ટીમેટમ આપ્યુ કે, સોમવારે બપોરે 12 વાગ્યા સુધી પશુપાલકોના પ્રશ્નોનું નિરાકારણ નહીં આવે તો લાખો પશુપાલકો બરોડા ડેરી સામે તૂટી પડશે. કેતન ઇનામદારની આગેવાનીમાં વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ બરોડા ડેરી સામે આંદોલનના મંડાણ કર્યા છે. ત્રિમંદિર ખાતે પશુપાલકોની રજૂઆત સાંભળવા આવેલા 5 ધારાસભ્યોનો બરોડા ડેરીના શાસકો સામે એકસૂર જોવા મળ્યો હતો.
કેતન ઈનામદારે ડેરીના સત્તાધીશોને ખુલ્લો પડકાર ફેંક્યો અને ગંભીર આરોપો લગાવ્યા છે તો વાઘોડીયાના અપક્ષ ધારાસભ્યએ પણ ડેરી સત્તાધીશો સામે વિરોધનું રણશીંગુ ફૂક્યું છે તો બીજી તરફ પશુપાલકો પણ વિરોધના મૂડમાં છે. આમ બરોડા ડેરીના દૂધીયા રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે અને ડેરીના શાસકો ચારેતરફથી ઘેરાયા છે.