25 વર્ષથી સરકારી જવાબ સાંભળીને થાકી ગયા છે પૂર્વ પ્રધાન, કહ્યુ પરિણામ આપો, વાયદા નહીં, જુઓ વીડિયો

|

Aug 08, 2022 | 5:39 PM

Surat: વિજય રૂપાણી સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચુકેલા અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રસ્તા પર ભરાતા પાણી અને દર ચોમાસાએ થતા રોડના ધોવાણ મુદ્દે પાલિકાના અધિકારીઓ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રોષ ઠાલવ્યો. કાનાણીએ કહ્યુ પરિણામ આપ, વાયદા નહીં.

ભાજપના પૂર્વ મંત્રી અને સુરત(Surat)ના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani)એ ફરી એકવાર પાલિકાના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે. શહેરના રોડ રસ્તાઓના ધોવાણ બાબતે પાલિકાના અધિકારીઓનો ઉધડો લેતા તેમણે કહ્યુ કે પાલિકાના અધિકારીઓને જાણ હોવા છતા પાણીના નિકાલ માટેના કોઈ ઉપાય કરવામાં આવતા નથી. વારંવારની પાણી ભરાવાની સમસ્યાથી ત્રાસેલા કુમાર કાનાણીએ આ અંગે તેમના ફેસબુક (Facebook) એકાઉન્ટ પર પોસ્ટ કરી રોષ ઠાલવ્યો છે કે, ” 25 વર્ષથી સરકારી જવાબો સાંભળીને કંટાળી ગયા છીએ, પરિણામ આપો, વાયદા નહીં :કુમાર કાનાણી

કુમાર કાનાણીની ફેસબુક પોસ્ટ

 

 

પાલિકાના અધિકારીઓ કામ ન કરતા હોવાનો આડકતરો ઈશારો

સુરતના વરાછા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય અને રૂપાણી સરકારમાં પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અવારનવાર પોતાના વિસ્તારોની સમસ્યાને લઈને સોશિયલ મીડિયામાં રોષ ઠાલવતા જોવા મળે છે. ત્યારે કુમાર કાનાણીની પાલિકાના અધિકારીઓનો ઉધડો લેતી પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. જો કે પૂર્વ મંત્રીનો આ લખવા પાછળનો હેતુ પણ એજ હતો કે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્નારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. અમારા Tv9 ગુજરાતીના સંવાદદાતા દ્નારા તેમને આ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે તેમના વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ ઉપર અનેક તબેલાઓ બાંધવામાં આવ્યા છે, તેને દૂર કરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી છતા પણ પાલિકાના અધિકારીઓ કાર્યવાહીના નામે માત્ર 2-4 ઢોરોને પકડી જાય છે અને દંડની કાર્યવાહી કરી સંતોષ માની લે છે. તો બીજી તરફ રોડની કામગીરી મુદ્દે તેમણે સવાલ ઉઠાવ્યો કે દર ચોમાસાએ પાણી ભરાય છે, રોડ તૂટી જાય છે પરંતુ સમસ્યાનો કાયમી નિવેડો લાવવા માટે કામગીરી થતી નથી. જો કે તેમણે વાતવાતમાં કામગીરીમાં ભ્રષ્ટાચાર તરફ પણ ઈશારો કર્યો હતો.

Next Video