મેશ્વો જળાશયમાંથી રવી સિઝન માટે પ્રથમ તબક્કાનુ પાણી છોડાયુ, ડેમમાં ઓછા જળસંગ્રહથી ખેડૂતોને ચિંતા
ચાલુ સાલે ચોમાસામાં અરવલ્લી જિલ્લાના મોટાભાગના જળાશયો સંપૂર્ણ છલકાયા નહોતા. જેને લઈ હવે રવી સિઝનમાં ખેડૂતોને સિંચાઈના પાણીને લઈ સમસ્યા સર્જાઈ શકે છે. રવી સિઝન માટે સિંચાઈ વિભાગે પાણી છોડવાનુ નક્કી કર્યુ છે, પરંતુ પાંચ તબક્કામાં પાણી અપાતુ હતુ તેમાં ખેડૂતોને કાપનો સામનો કરવો પડી શકે છે. આમ પાંચ પાણીના બદલે ત્રણ પાણીના તબક્કા મળી શકે છે.
અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. અરવલ્લી જિલ્લાના મેશ્વો ડેમમાંથી રવી પાક માટે પ્રથમ તબક્કાનુ પાણી છોડવામાં આવ્યુ છે. મેશ્વો ડેમમાંથી 100 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડૂતોને મોટી રાહત સર્જાશે. જોકે આ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા માત્ર ત્રણ જ પાણી છોડવામાં આવી શકે છે. જે અગાઉ પાંચ પાણી છોડવામાં આવતુ હતુ.
આ વર્ષે મેશ્વો ડેમમાં ચોમાસા દરમિયાન સંપૂર્ણ સપાટીએ પાણીનો સંગ્રહ થઈ શક્યો નહોતો. જેને લઈ ખેડૂતોને ચોમાસા અંતિમ દિવસો દરમિયાનથી જ ચિંતા સતાવવા લાગી હતી. લગભગ 40 ટકા જેટલો ડેમ ખાલી રહ્યો હતો. આમ પાણીના તબક્કા આ વખતે ઓછા કરવામાં આવી શકે છે. હાલમાં 100 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા 30 ગામોને પિયત માટે મોટી રાહત સર્જાઈ છે. ભીલોડા અને મોડાસા તાલુકાના 30 જેટલા ગામનો રાહત સર્જાઈ છે.