ડુંગળીની નિકાસબંધી સામે રાજ્યભરમાં ખેડૂતોનો વિરોધ, સૌરાષ્ટ્રના ખેડૂતો આકરા પાણીએ- જુઓ વીડિયો

|

Dec 18, 2023 | 11:08 PM

રાજ્યમાં ડુંગળીની નિકાસ બંધ કરવાના નિર્ણય સામે ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ કરી રહ્યા છે. એકાએક નિકાસ બંધ કરી દેવાતા ડુંગળીના ભાવ તળિયે ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અનેક જગ્યાએ ખેડૂતો ડુંગળી રસ્તા પર ફેંકી વિરોધ કરતા જોવા મળ્યા હતા.

રાજ્યમાં ડુંગળીના ભાવ મુદ્દે શરૂ થયેલી મોકાણ બંધ થવાનું નામ જ નથી લઈ રહી. ડુંગળીની નિકાસબંધીને લઈને ઠેર ઠેર ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ડુંગળીની નિકાસબંધીથી ડુંગળીના ભાવ સતત તળિયે જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. બોટાદ જિલ્લા પણ ભારતીય કિશાન સંઘે વિરોધ નોંધાવ્યો છે. તાલુકા સેવા સદન સામે ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકીને વિરોધ કરી ચક્કાજામ કર્યો

આ પણ વાંચો: ભાવનગર: નિકાસબંધીને કારણે ડુંગળીના ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાયા, એક જ માગ, નિકાસબંધી પરત ખેંચે સરકાર

આ તરફ રાજકોટના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી અને ડેપ્યુટી કલેકટરને આવેદન આપ્યું હતું અને ડે.કલેક્ટરને ડુંગળી અર્પણ કરી કૃષિપ્રધાનને મોકલવા માંગ કરી હતી. જેને લઈને ડેપ્યુટી કલેકટર અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે વિરોધ વચ્ચે ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરાઈ. જેમાં ઓછા ભાવ મળતા ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે સરકાર જગતના તાતનો અવાજ સાંભળે છે કે નહીં તે જોવું રહ્યું.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video