Rajkot : કિસાન સૂર્યોદય યોજનાનો અમલ કયારે ? સરકાર માંગ સંતોષે, નહીં તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી

|

Jan 23, 2023 | 8:33 AM

સમગ્ર મામલે રાજકોટના જસદણના જસાપર ગામે, આજૂબાજૂના ગામના ખેડૂત આગેવાનોની રાત્રી દરમિયાન મિટિંગ યોજાઇ હતી. જેમાં રાત્રે આપવામાં આવતા વીજળીના પૂરવઠાથી થતી હાલાકીને લઈને ચર્ચા કરાઈ હતી.

રાજ્ય સરકારની કિસાન સુર્યોદય યોજના નિષ્ફળ નિવડી હોય તેવા દ્રશ્યો રાજકોટ જિલ્લામાં જોવા મળ્યા છે. ખેતરમાં દિવસે વીજળીનો પુરવઠો ન મળતા ખેડૂતોને રાત્રીના સમયે કડકડતી ઠંડી વચ્ચે પાણી વાળવા મજબૂર બનવું પડ્યું છે. સમગ્ર મામલે રાજકોટના જસદણના જસાપર ગામે આજૂબાજૂના ખેડૂત આગેવાનોની રાત્રી દરમિયાન મિટિંગ યોજાઇ હતી. જેમાં રાત્રે આપવામાં આવતા વીજળીના પૂરવઠાથી થતી હાલાકીને લઈને ચર્ચા કરાઈ હતી. અને દિવસના 8 થી રાતના 8 વાગ્યા સુધી વીજ સપ્લાય આપવાની ખેડૂતોએ માંગ કરી હતી. સાથે જ સરકાર ખેડૂતોની માંગ નહીં સંતોષે તો ઉગ્ર આંદોલનને લઈને ચીમકી પણ આપી હતી.

રાજકોટ જિલ્લામાં સૂર્યોદય યોજના માત્ર કાગળ પર જોવા મળી

તો આ તરફ સૂર્યોદય યોજના રાજકોટના ધોરાજીમાં માત્ર કાગળ પર જોવા મળી. કડકડતી ઠંડીમાં દિવસના બદલે રાત્રે વીજ પુરવઠો મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતો ઉજાગરા કરીને ઠંડીમાં પાણી વાળવા મજબૂર બન્યા છે. ખેડૂતોનો આરોપ છે કે, સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને દિવસે વીજ પૂરવઠો આપવાની વાત કરી હતી,પરંતુ સરકારના વચન હાલમાં પોકળ સાબિત થયા છે.

ઠંડીમાં તાપણા કરીને પાણી વાળતા ધોરાજીના ખેડૂતોએ રાત્રીના બદલે દિવસે વીજળી આપવાની માગ કરી હતી અને જો દિવસે વીજળી નહીં મળે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થશે. બીજી તરફ રાત્રે હિંસક પ્રાણીનો ભય રહેતા કેટલાક ખેડૂતો ખેતરમાં પાણી વાળવા જઈ શકતા નથી.

Published On - 8:02 am, Mon, 23 January 23

Next Video