દેવભૂમિ દ્વારકા (Dwarka)ના બેટ દ્વારકામાં ઓપરેશન કલીનઅપ યથાવત છે. ડિમોલિશન (Demolition)કામગીરીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે તેના પૂરાવા મળે છે. સઘન સુરક્ષા વચ્ચે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. પોલીસની ફ્લેગમાર્ચ સાથે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત છે. ડ્રોન કેમેરાની મદદથી તંત્રનું સતત મોનિટરીંગ થઈ રહ્યુ છે. છેલ્લા એક અઠવાડિયામાં 40 જેટલા ધાર્મિક સ્થળના દબાણો હટાવાયા છે. અન્ય 95 સ્થળે ગેરકાયદે દબાણો (Illegal Construction) દૂર કરાયા છે. ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલા પલાણી પરિવારના ગેરકાયદે બાંધકામ પર પણ બુલડોઝર ફરી વળ્યુ છે. ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા આરોપીના 80 લાખની કિંમતના બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યુ છે.
અત્યાર સુધી 8 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરાઈ છે. ગેરકાયદે બાંધકામ માટે મળતા ફંડ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. તમામ વિસ્તારમાં ડ્રોન કેમેરાથી બાજ નજર રખાઈ રહી છે. દેશની આંતરીક સુરક્ષાને જોતા ડિમોલિશન ઝુંબેશ લાંબી ચાલે તેવી શક્યતા છે.
દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ સુરક્ષાને લઈ એક સપ્તાહ બાદ પોલીસે ફરી મેગા ડિમોલિશનની કામગીરી હાથધરી છે. આ ડિમોલિશન મેગા ડ્રાઈવમાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અગાઉ પણ સિગ્નેચર બીચ પાસે આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. જેમાં દેવભૂમિદ્વારકા જિલ્લામાં ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીના ગેરકાયદે ઘર પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતુ. ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપી રમઝાનના પિતા હાજી ગની પલાણીનું ગેરકાયદે મકાન હોવાનું ખુલતા તંત્રએ તોડી પાડ્યું હતુ. આરોપી હાજી ગની પલાણી અગાઉ ઓખા નગરપાલિકાનો સભ્ય પણ રહી ચુક્યો હતો અને 2019માં જખૌ ખાતેથી 900 કરોડથી વધારે રકમનું ડ્રગ્સ ઝડપાયું હતું. જે કેસમાં રમઝાન આરોપી હતો અને તપાસના અંતે આરોપી રમઝાનના પિતાના નામે રહેલું ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યું હતુ.