Vadodara: ‘ભાજપે આદિવાસી સમુદાયના અધિકારો છીનવી લીધા’, અમિત ચાવડાના BJP પર આકરા પ્રહાર

|

Sep 24, 2022 | 7:42 AM

અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, બાબા સાહેબ આંબેડકરે દેશને શ્રેષ્ઠ બંધારણ આપ્યું.તમામ નાગરીકોને સમાન અધિકાર આપ્યા, પરંતુ ભાજપે આ અધિકાર અને આઝાદી છીનવી લીધી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ દરેક રાજકીય પાર્ટીઓ (political party) મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ‘બાર સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિમાં પણ મહતમ બેઠકો હાંસલ કરવા કોંગ્રેસ (Congress) પણ શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. આ જ સંદર્ભ વડોદરામાં કોંગ્રેસ દ્વારા સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી. જે દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને ભાજપ પર શાબ્દિક હુમલો કર્યો હતો.

બાબા સાહેબ આંબેડકરે અધિકાર આપ્યા પણ ભાજપે….!

અમિત ચાવડાએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે દેશને શ્રેષ્ઠ બંધારણ આપ્યું. તમામ નાગરીકોને સમાન અધિકાર આપ્યા, પરંતુ ભાજપે આ અધિકાર અને આઝાદી છીનવી લીધી. ભાજપે આદિવાસી, દલિત, લઘુમતી સમુદાય સાથે અન્યાય કર્યો હોવાનો પણ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો.

પાટીદારોને એક મણકે પરોવવા કોંગ્રેસની મથામણ

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ કોંગ્રેસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા આગામી 28મી તારીખથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા 28 સપ્ટેમ્બરે ‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આ યાત્રા એક દિવસની રહેશે અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિજ મકવાણા અને અંબરીશ ડેરના અધ્યક્ષ સ્થાને નીકળશે. ચૂંટણી પહેલા આ યાત્રા સૌરાષ્ટ્રની (Saurashtra) ઘણી બધી બેઠકોમાં ફરશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ યાત્રા ખૂબ જ મહત્વની બની રહેશે. આ યાત્રા સૌરાષ્ટ્રની 24 જેટલી બેઠકોને આવરી લેશે અને ત્યાં કોંગ્રેસનો પ્રચાર કરશે. આ યાત્રા થકી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો આ કોંગ્રેસનો પ્રયાસ રહેશે.

Next Video