પોલીસ ગ્રેડ પે મુદ્દે હર્ષ સંઘવીના નિવેદન પર કોંગ્રેસનો પ્રહાર, ‘આ સરકાર વાટાઘાટોથી પ્રશ્નો ઉકેલવાવાળી નથી.’

|

Aug 11, 2022 | 3:58 PM

Grade Pay: પોલીસકર્મીઓના ગ્રેડ પેને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ છે. હર્ષ સંઘવીના નિવેદન બાદ તુરંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે હર્ષ સંઘવી પર પ્રહાર કર્યો અને સરકારના પ્રયાસોને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ ગણાવ્યો

પોલીસકર્મીઓના ગ્રેડ પે (Grade Pay)ના મુદ્દાને લઈને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે (Jagdish Thakor)ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે તેમણે ગ્રેડ પેના મુદ્દાને સરકાર માટે જ્વાળામુખી સમાન ગણાવ્યો. જગદિશ ઠાકોરે આક્ષેપ કર્યો કે આ સરકાર વાટાઘાટોથી પ્રશ્નો ઉકેલવાવાળી નથી. સરકાર લાભ ખાટવાની મંશા રાખે છે. પ્રશ્ન ઉકેલ્યાનો રાજકીય લાભ પોતાને એકલાને જ થાય તો જ પ્રશ્ન ઉકેલવા માગે છે. તેવી લાભ ખાટવાની સરકારની માનસિક્તા છે. આ સાથે જગદિશ ઠાકોરે સરકારને રજૂઆત કરી કે તમે પણ મોટા થાઓ અને અવાજ ઉઠાવવા વાળાને પણ મોટા કરો એ જ લોકશાહીનું ઘરેણુ છે.

શું કહ્યુ હતુ હર્ષ સંઘવીએ ?

આપને જણાવી દઈએ કે ગ્રેડ પે મુદ્દે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સંકેત આપ્યા છે કે આ બાબતે ટૂંક સમયમાં જ આ વિવાદ ઉકેલાઈ શકે છે. હર્ષ સંઘવીએ કહ્યુ કે રાજ્ય સરકાર આ બાબતે સકારાત્મક કાર્ય કરી શકાય તે માટે ચિંતન કર્યુ છે અને મુખ્યમંત્રીએ જૂદા જૂદા વિભાગો સાથે ચર્ચા કરી છે અને આ બાબતે સકારાત્મક કાર્ય કઈ રીતે થઈ શકે તેના માટે ચિંતન કર્યુ છે. આ મુદ્દે તેમણે નામ લીધા વિના કેજરીવાલ પર પ્રહાર કર્યો કે જ્યારે આ વિષય સુખદ અંતની નજીક પહોંચ્યો છે અને રાજ્યના હજારો પરિવારોને જે લાભ મળવાનો હતો તે લાભ અટકાવવાની અને લોકોને ભટકાવવાની કોશિષ કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીના નિવેદન બાદ તુરંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરનું નિવેદન સામે આવ્યુ અને સત્તાપક્ષ પર રાજકીય લાભ ખાટવાનો આરોપ લગાવ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલ બુધવારે આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે, ગુજરાતમાં આપની સરકાર અસ્તિત્વમાં આવશે તો પોલીસના પગાર અને ગ્રેડ પે સહીતના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની ખાતરી ઉચ્ચારી હતી. કેજરીવાલના આ નિવેદનના 24 કલાકમાં જ ગુજરાત સરકાર તરફથી ગ્રેડ પે મુદ્દે મહત્વનુ નિવેદન સામે આવ્યું છે.

Next Video