અમદાવાદના પાલડીમાં બેન્ક ઓફ બરોડાના લૉકરમાંથી દાગીના ગાયબ થવાની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. જેમાં રિજિયોનલ હેડ, ચીફ મેનેજર સહિત 5 લોકોનો સમાવેશ થાય છે. પોલીસે હંગામી પટાવાળા ચિરાગ દંતાણીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો છે. જ્યારે બેન્કના અન્ય કર્મચારી મનોજ સોલંકીને પોલીસ શોધી રહી છે. બીજી તરફ બેન્કના ગ્રાહક તેજકુમાર શર્મા અને તેમની પત્ની રાધા શર્માએ લૉકરમાં મૂકેલા દાગીના ગાયબ થયા છે. આ માટે એલિસબ્રિજ પોલીસ મથકના ડેપ્યુટી રિઝનલ હેડ પરાગ ગોગાટે, ચીફ મેનેજર મનોજકુમાર પારથનાથ પ્રસાદ સહિત પાંચ લોકો સામે અરજી આપીને છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી છે.
થોડા દિવસ પહેલા અમદાવાદના એલિસબ્રિજમાં સલામત મનાતા બેંક લોકરમાંથી જ 47 લાખની કિંમતી ચીજોની ચોરી થઈ હતી. પ્રિતમનગરની બેંક ઓફ બરોડામાં હંગામી પટાવાળા તરીકે નોકરી કરતો ચિરાગ દાણતણીયા જ પત્ની સાથે મળી બેંકના લોકરમાંથી કિંમતી ચીજો ચોર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. બે બેંકોના મર્જર બાદ અંદાજે 10 લોકરના સગાનો કોઈ પત્તો ન મળતા તેમાં રહેલી ચીજો બેંકના ચાર લોકરમાં મુકાઈ હતી. ચિરાગે આ લોકરની નકલી ચાવી સાથે પત્નીના ખોટા નામે સહી કરાવી અસલી દાગીના ચોરી લીધા અને નકલી દાગીના બેંક લોકરમાં મુક્યા. આરોપી પાસેથી બારસો ગ્રામ સોનું, બે કિલો ચાંદી સહિત વિદેશી નાણું મળી આવ્યું હતુ.