Breaking News : નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ, 8થી 10 લાખનો માલસામાન બળીને ખાખ
દુકાનના પાછળના ભાગમાં રાખવામાં આવેલા સામાનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં બીલીમોરા અને ગણદેવી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી.
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બીલીમોરા ITI સામે આવેલી દુકાનમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
મળતી માહિતી મુજબ, દુકાનના પાછળના ભાગમાં રાખવામાં આવેલા સામાનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં બીલીમોરા અને ગણદેવી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી.
ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ
ફાયર વિભાગની બંને ટીમોએ આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે, આ દુર્ઘટનામાં દુકાનમાં રાખેલો અંદાજે 8થી 10 લાખ રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ
સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક રીતે ફટાકડાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ જરૂરી છે. આગની ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. દુકાનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી અને આસપાસની અન્ય દુકાનોને સંભવિત નુકસાનથી બચાવી લેવામાં આવી હતી.