Kheda : મા ખોડિયારનું અપમાન કરનાર વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ (Brahmaswarup Swami) આખરે નમવું પડ્યું અને તેમણે માફી માગવી પડી છે. વિવાદિત નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપનો જોરદાર વિરોધ થયો હતો. વિરોધને જોતા હવે તેમણે માફી માગી છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માગતા કહ્યુ કે, તેમનો આશય કોઇની ધાર્મિક લાગણી કે માન્યતાનો ખંડન કરવાનો નહોતો, છતાં આ નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માગું છું.
આ ઉપરાંત બ્રહ્મસ્વરૂપ સ્વામીએ એ પણ ખાતરી આપી હતી કે, ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય. મહત્વનું છે કે, તેમણે એક કાર્યક્રમમાં ખોડિયાર માતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ વિવાદ ઉભો થયો હતો. ત્યારે માટેલ ખોડિયાર ધામના પૂજારીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની માફી બાદ વિવાદ પૂર્ણ થયાનું જણાવ્યું છે. ચેતનબાપુએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેની ખાતરી આપી છે. તેથી ભક્તોનો રોષ પણ શમ્યો છે.