બરવાળા ઝેરી દારુ કાંડ: AMOS કંપનીના માલિક સમીર પટેલ સહિતના આરોપીને ન મળી રાહત, તમામની આગોતરા જામીન અરજી ફગાવાઇ

|

Aug 12, 2022 | 2:13 PM

અગાઉ અમદાવાદની (Ahmedabad) AMOS કંપનીના માલિક સમીર પટેલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, હાઈકોર્ટે અરજી સ્વીકારી ન હતી.

બરવાળા ઝેરી દારૂકાંડ કેસમાં AMOS કંપનીનાં માલિક સમીર પટેલ (Samir Patel)સહિત અન્ય આરોપીની મુશ્કેલીમાં વધારો થયો છે. આરોપીઓએ કરેલી આગોતરા જામીન અરજીને બોટાદ સેશન્સ કોર્ટે (Botad Sessions Court) ફગાવી છે. અગાઉ અમદાવાદની (Ahmedabad) AMOS કંપનીના માલિક સમીર પટેલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, હાઈકોર્ટે અરજી સ્વીકારી ન હતી અને આદેશ આપ્યો હતો કે, સૌપ્રથમ આગોતરા જામીન માટે બોટાદ સેશન્સ કોર્ટમાં અરજી કરે. બીજી તરફ સરકાર તરફથી અરજીનો વિરોધ કરતા રજૂઆત કરાઇ હતી કે, અરજદાર શા માટે સીધા હાઈકોર્ટમાં આવ્યા છે. તેમને પહેલા બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવી પડે. સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે. અરજદારને પૂછપરછ માટે પોલીસે સમન્સ પાઠવેલું છે. તેમ છતાં તેઓ હાજર રહ્યા નથી, જેથી આ આગોતરા જામીન અરજીને ફગાવવામાં આવે.

AMOS કંપનીમાંથી 600 લીટર મિથેનોલ લઈ જવામાં આવ્યું હતું

ઝેરી દારૂકાંડમાં 43 લોકોના મોત આ મિથેનોલની વધુ પડતી માત્રાના કારણે જ થઈ ગયા હતા. જેમાં મિથેનોલને જ લોકો દારૂ સમજીને પી ગયા હોવાનું પણ સામે આવ્યુ છે. ઝેરી દારૂકાંડમાં અમદાવાદ નજીક આવેલી AMOS કંપનીમાંથી 600 લીટર મિથેનોલ લઈ જવામાં આવ્યું હતું. આ સમગ્ર કાંડ સામે આવ્યા બાદ AMOS કંપની સામે પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો અને કંપનીમાં આવતા કેમિકલના જથ્થાની તપાસ હાથ ધરાઈ હતી.

ઝેરી દારૂકાંડમાં 43 લોકોએ ગુમાવ્યા જીવ

બરવાળા ઝેરી કેમિકલ કાંડની ઘટનામાં બે મહત્વની ઘટનાઓ સામે આવી હતી, જેમાં બરવાળા કેમિકલ કાંડમાં આરોપી જયેશે ગુનો કબૂલી લીધો હતો. આરોપી જયેશ ઉર્ફ રાજુએ બરવાળા કોર્ટમાં CRPC 164 મુજબ પોતે મિથેનોલ લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઝેરી દારૂકાંડમાં 43 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા. આ સમગ્ર કાંડમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ કેટલાક આરોપીઓ ફરાર છે.

(વીથ ઇનપુટ-રોનક વર્મા, અમદાવાદ)

Next Video