અરવલ્લીમાં ભીલોડા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, 12 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી, સાબરકાંઠાની ઈડર બેઠક પર 32 દાવેદારોએ માગી ટિકિટ

|

Oct 28, 2022 | 8:04 PM

Gujarat Election 2022: ભાજપે ગઈકાલથી મૂરતિયાઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમા અરવલ્લીમાં ભીલોડા બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ભીલોડા બેઠક પર 12 લોકોએ ટિકિટ માટે દાવેદારી કરી છે તો સાબરકાંઠાની ઈડર બેઠક માટે 32 દાવેદારો સામે આવ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપે ઉમેદવાર પસંદગીને લઈને કાર્યકરોની અને દાવેદારોની સેન્સ લેવાનુ શરૂ કર્યુ છે. ઉત્તર ગુજરાતમાં ભાજપે અરવલ્લી જિલ્લાની ભીલોડા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભીલોડા બેઠક પર 12 ઉમેદવારોએ ટિકિટ માગી છે. જેમા પૂર્વ ધારાસભ્ય સ્વ. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ ટિકિટ માટે દાવેદારી કરી છે. રાજ્યસભા સાંસદ રમીલા બારાના બહેન નીલા મડિયાએ પણ દાવેદારી નોંધાવી છે. પૂર્વ IPS પી.સી. બરંડાએ પણ ફરી ટિકિટની માગ કરી છે. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુ મનાતે પણ દાવેદારી નોંધાવી છે.

ભાજપ દ્વારા સેન્સ લેવાનો આજે બીજો દિવસ છે. 27 ઓક્ટોબરથી ભાજપે રાજ્યમાં ઝોનવાઈઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે ભાજપે જિલ્લાની 3 બેઠકો માટે સેન્સ લીધી હતી. જેમા મોડાસા, બાયડ અને ભીલોડા બેઠક પર સેન્સ લેવાઈ હતી. જેમા વિભાવરી દવે, દિલીપ ઠાકોર અને પરાક્રમસિંહ જાડેજાએ દાવેદારોને સાંભળ્યા હતા.

આ તરફ સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠકો માટે ભાજપે સેન્સ લીધી હતી. જેમા ઈડર બેઠક પર 32 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં 10થી વધુ મહિલાઓ અને 10 જેટલા સાબરકાંઠા જિલ્લા બહારના દાવેદરોએ દાવેદારી નોંધાવી છે. તો પ્રાંતિજ બેઠક પર રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ઈડર માટે રમણલાલ વોરા અને હિતુ કનોડિયાએ દાવેદારી નોંધાવી છે. તો હિંમતનગર, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા બેઠક પર આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. પ્રદેશ ભાજપમાંથી પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રશાંત કોરાટ અને સીતાબેન નાયક દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવી છે.

Published On - 8:03 pm, Fri, 28 October 22

Next Video