ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજના વિતરણમાં વધુ પારદર્શીતા લાવવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે હાઇ ક્વોલીટી વિઝન CCTV કેમેરા નેટવર્ક સ્થાપવા આવશે. તદઉપરાંત નિગમની જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. આ CCTV પ્રોજેક્ટના અમલીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે.
મંત્રીએ આ સંદર્ભે વિગતો આપતા કહ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ગોડાઉનો ખાતે સીસીટીવી કેમેરા લગાવવા માટે કુલ રૂપિયા 96.14 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નિગમના તમામ ગોડાઉનોમાં મળી કુલ 5953 કેમેરા લગાવવામાં આવનાર છે. ગોડાઉન ખાતે થઈ રહેલી તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકાય તે પ્રકારે આ કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે.
આઉટ ડોર ગતિવિધિઓ પર નજર રાખવા Bullet કેમેરા, ઇન ડોર ગતિવિધિઓ પર નજર રાખવા Dom કેમેરા, રાત્રીના સમયમાં પણ ગોડાઉનનું મોનીટરીંગ થઇ શકે તે માટે PTZ કેમેરા અને વાહનોની નંબર પ્લેટને આધારે કેમેરા થકી વાહન માલિક સુધી પહોંચી શકાય તેવા ANPR (ઓટોમેટીક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન) કેમેરા આ ગોડાઉનોમાં લગાડવામાં આવશે.
મંત્રીએ વધુમાં જણાવ્યુ કે, ગોડાઉન ખાતે લગાવવામાં આવનાર આ કેમેરાના મોનીટરીંગ માટે ગોડાઉન ખાતે, નાયબ જિલ્લા મેનેજર(ગ્રેડ-2)ની કચેરી ખાતે અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તેમજ જિલ્લા મેનેજર(ગ્રેડ-1)ની કચેરી ખાતે વિડિયો વોલનું સેટઅપ પણ કરવામાં આવનાર છે.
ગોડાઉન ખાતેની વિડીયો વોલની મદદથી ગોડાઉન કેમ્પસમાં રહેલા જુદા જુદા બિલ્ડીંગ ખાતે થઈ રહેલી કામગીરીનું એક સ્થાને રહી ગોડાઉન મેનેજર લાઈવ મોનીટરીંગ કરી શકશે. તેવી જ રીતે નાયબ જિલ્લા મેનેજર(ગ્રેડ-2)ની કચેરી ખાતે બનવા જઈ રહેલી વિડિયો વોલની મદદથી તેઓના જિલ્લાના તમામ ગોડાઉનો ખાતે થઈ રહેલી ગતિવિધિઓ પર સઘન મોનીટરીંગ કરી શકશે.
વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી તેમજ જિલ્લા મેનેજર(ગ્રેડ-1)ની કચેરી ખાતે વિડિયો વોલના મોનીટરીંગ માટે માનવબળ પણ પુરૂ પાડવામાં આવશે. હવે મોનીટરીંગ સમયે કોઈ શંકાસ્પદ પ્રવૃતિ ધ્યાને આવે તો પ્રોએક્ટિવલી ભાગ લઈ સમયસર પગલા લઈ શકાશે.
આ પણ વાંચો : Gujarati Video : કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહનની જાહેરાત, સુરતના વેપારીઓમાં ખુશીનો માહોલ