Banaskatha: પાલનપુરમાં ઠેર-ઠેર ગંદકીના ઢેર, જન્માષ્ટમી પહેલા ગંદકી સાફ કરવાની ચોમેરથી ઉઠી માગ

|

Aug 16, 2022 | 4:23 PM

Banaskatha: પાલનપુરમાં ઠેર-ઠેર ગંદકીના ઢેરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તહેવાર સમયે લોકોને તહેવાર કેવી રીતે ઉજવવા તે પણ મોટો પ્રશ્ન છે. ત્યારે સહુ કોઈની એક જ માગ છે કે જન્માષ્ટમી પહેલા ઠેર ઠેર ખડકાયેલા ગંદકીના ગંજ દૂર કરવામાં આવે અને રસ્તા પર ખાડા પુરવાની કામગીરી કરવામાં આવે.

રાજ્યમાં વરસાદ બાદ ઠેર-ઠેર ખાડાઓની સમસ્યા જોવા મળે છે. જેમાં બનાસકાંઠા (Banaskatha) પણ બાકાત નથી. ખાસ કરીને પાલનપુર (Palanpur)ની હાલત સૌથી વધુ બિસ્માર છે. પાલનપુરના રસ્તાઓ એટલી હદે બિસ્માર બન્યા છે કે લોકો માટે મંદિરે જવુ પણ કપરા ચઢાણ ચડવા જેવુ સાબિત થઈ રહ્યુ છે. નગરપાલિકાની નિષ્ક્રિયતાના પાપે લોકોને રસ્તા પર ચાલવુ પણ મુશ્કેલ બન્યુ છે. પાલનપુરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, ખાડાઓ (Potholes) અને તૂટેલા રસ્તાઓ જ નજરે પડે છે. લોકોએ ઘરની બહાર નીકળવુ હોય તો આ તૈયારી સાથે નીકળવુ પડે છે. ટેક્સના પૈસા તેમણે કદાચ આવી સુવિધાઓ માટે જ આપ્યા હશે એવુ સત્તાધિશો અને અધિકારીઓના મનમાં એવુ લાગી રહ્યુ છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે લોકો તો ઠીક પણ અષાઢી બીજના દિવસે સ્વયં ભગવાન જગન્નાથને પણ ગંદકી અને રસ્તા પર પડેલા ખાડામાંથી પસાર થવુ પડ્યુ હતુ. લોકોની ફરિયાદ છે કે પવિત્ર શ્રાવણ માસમાં પણ લોકોને મંદિરે જવા પણ ગંદકીના ઢગ અને ખરાબ રસ્તામાંથી પસાર થવુ પડે છે. લોકોની માગ એ છે કે જન્માષ્ટમીના તહેવાર પહેલા તંત્ર દ્વારા ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને રસ્તા પર પડેલા ખાડાને પુરીને કમસે કમ ચાલવાલાયક બનાવવામાં આવે

જન્માષ્ટમી પહેલા રસ્તાઓ સાફ કરવાની ચોમેરથી ઉઠી માગ

રામજી મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા દરમિયાન ભગવાનના રથને આવા ગંદકીગ્રસ્ત રસ્તામાંથી પસાર ન થવુ પડે અને શોભાયાત્રામાં જોડનારા કોઈપણને હેરાનગતિનો સામનો ન કરવો પડે તે હેતુથી નગરપાલિકા જેમ બને તેમ જલ્દી રસ્તાઓ સાફ કરે, ગંદકી કરે, અને ખાડાઓ બુરવાની કામગીરી કરે. શોભાયાત્રા પહેલા આ કામગીરી થાય તેવી સહુ નગરજનો માગ કરી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિકો જણાવે છે કે હાલ જન્માષ્ટમી નજીક છે, પરંતુ તહેવાર કેવી રીતે ઉજવવા તે મોટો પ્રશ્ન છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી અને બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ છે.

ઈનપુટ ક્રેડિટ- અતુલ ત્રિવેદી- બનાસકાંઠા

Published On - 10:17 pm, Mon, 15 August 22

Next Video