ચૂટણી બાદ રાજયમાં પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી બાદ બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. ચાલુ વર્ષમાં સતત ચોથી વાર બનાસ ડેરીએ ખરીદ ભાવમાં વધારો કરતા જિલ્લાના અસંખ્ય પશુપાલકોને ફાયદો થયો છે. આ લાભ પશુપાલકોને 16 ડિસેમ્બરથી મળશે. બનાસ ડેરી દ્વારા અગાઉ પ્રતિ કિલો ફેટ 760 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જેમાં 30 રૂપિયાનો વધારો કરતા પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા ચૂકવવામાં આવશે. આ વર્ષે અગાઉ ત્રણ વાર પણ બનાસ ડેરી પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કરીને પશુપાલકોને ફાયદો આપી ચૂકી છે.
જેમાં ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના પ્રતિ ફેટના ભાવમાં વધારો કર્યો છે. ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટના ભાવ 815 રૂપિયાથી વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ભાવ વધારાથી ગાંધીનગર જિલ્લાના કુલ 45 હજાર પશુપાલકોને લાભ થશે. મધુર ડેરીએ દાવો કર્યો હતો કે ગુજરાતના તમામ જિલ્લા દૂધ ઉત્પાદક કરતાં આ સૌથી વધુ ભાવ છે.
નોંધનીય છે કે દૂધમાં ભાવ વધારો મળતા પશુપાલકોના જીવન ધોરણમાં સુધારો આવશે. ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના પ્રતિ ફેટના ભાવમાં વધારો કરતા ઉત્પાદકોને 815ના સ્થાને 850 રૂપિયાનો વધારો મળતા દૂધ ઉત્પાકોને હવે 35 રૂપિયાનો વધારો મળશે. તો બનાસ ડેરીએ 30 રૂપિયાનો વધારો આપતા પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા દૂધ ઉત્પાદકોને મળશે.