Banaskantha: બનાસ બેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી, બંને ભાજપના વરિષ્ઠ કાર્યકરો

|

Dec 17, 2021 | 4:33 PM

બનાસ બેંકમાં પહેલીવાર ઠાકોર સમાજના આગેવાન વાઈસ ચેરમેન બન્યા છે. ચેરમેન અને વાઈસ ચેરમેન બંને ભાજપના વરિષ્ઠ કાર્યકરો છે. એટલું જ નહીં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અંગત વિશ્વાસુ પણ છે.

બનાસકાંઠા(Banaskantha)ના પાલનપુર(Palanpur) સ્થિત બનાસ બેંક(Banas Bank)ના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે વરણી કરવામાં આવી છે. ચેરમેન તરીકે અણદા પટેલ અને વાઈસ ચેરમેન તરીકે પીરાજી કુંવરજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. બંને બિનહરીફ ચૂંટાયા છે.

ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેનના પદ માટે એકમાત્ર ફોર્મ અણદાભાઇ રામાભાઇ પટેલે ભર્યુ હતુ. અન્ય કોઇ હરીફ ન હોવાથી તેમની બેંકના ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે. જે બાદ વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પણ એકમાત્ર ફોર્મ પીરાજી કુંવરજી ઠાકોરે ભર્યુ હતુ. જેથી તેમને પણ બિનહરીફ જાહેર કરીને વાઇસ ચેરમેન તરીકે તેમની વરણી કરવામા આવી છે.

ખેડૂતોના કામ કરવાની તત્પરતા બતાવી

બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયેલા અણદા પટેલ અને પીરાજી ઠાકોરે જણાવ્યુ કે તેઓ ખેડૂતોના કામ કરવા માટે તત્પરતા દાખવતા રહેશે. તેમણે એમ પણ કહ્યુ કે બનાસકાંઠાના ગરીબમાં ગરીબ માણસને સરળતાથી ધીરાણ મળી રહે તેમજ છેવાડાના માણસને પણ બેંક થકી જે રીતે સુખી કરી શકાય, જે મદદ કરી શકાય એ પ્રમાણે તે કામ કરતા રહેશે.

મહત્વનું છે કે બનાસ બેંકમાં પહેલીવાર ઠાકોર સમાજના આગેવાન વાઈસ ચેરમેન બન્યા છે. ચેરમેન અને વાઈસ ચેરમેન બંને ભાજપના વરિષ્ઠ કાર્યકરો છે. એટલું જ નહીં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અંગત વિશ્વાસુ પણ છે.

 

આ પણ વાંચોઃ ફરી એકવાર કપાસ મોંઘો થવા લાગ્યો, ખેડૂતોને આશા છે કે ભાવ હજુ વધશે, ખેડૂતોએ શું કરવું જોઈએ ?

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસ દળના 105 તાલીમાર્થી PIની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ, CMએ શ્રેષ્ઠ અધિકારીઓને સન્માનિત કર્યા

Next Video