ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વહીવટી તંત્રએ બ્રિજ તૂટ્યો ત્યાંથી થોડે દૂર દિવાલ ચણી લીધી છે. જોકે હવે આ નિર્ણય પણ તંત્રનો અણઘડ માનવામાં આવી રહ્યો છે. બ્રિજ પર રેસ્ક્યુ ટીમના વાહનો બહાર કાઢ્યા વગર જ પાક્કી ઈંટોથી દિવાલ ચણી ચણી લેવામાં આવી છે.
વડોદરામાં બ્રિજ દુર્ઘટના 9 તારીખને બુધવારે થયો હતો ત્યારે અકસ્માત સમય બાદ આ બ્રિજ પર ત્રણ જેટલા વાહનો હજુ પણ ત્યાં યથાવત છે. ત્યારે તંત્રએ તે વાહનોને ત્યાંથી ખસેડ્યા વીના જ દિવાલ ચણી લીધી છે. ત્યારે આ વાહનોને બહાર કાઢવા માટે શું ફરી દિવાલ તોડશે?
અહીં તંત્રએ વાહનો બ્રિજ પરથી હટાવ્યા પહેલા દિવાલ ચણાવી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. મળતી માહિતી મુજબ બ્રિજ પર વાહનોની અવર જવર ના થાય તે માટે દિવાલ ચણી રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે પણ રસ્તો આમ બ્લોક કરતા પહેલા તંત્ર ભુલી ગયુ કે બ્રિજ પર એ ત્રણ વાહનો કેવી રીતે કાઢશે !
ઉલ્લેખનીય છે કે બ્રિજ ધરાશાયીની દુર્ઘટના બાદ તાત્કાલિક ત્યાં રેસ્ક્યું ઓપરેશન અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં અત્યાર સુધી 20 મૃતદેહ અને વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ એસિડનું ટેન્કર અને બાઈક પાણીની અંદર જ છે. જો કે એસિડનું ટેન્કર ફસાયેલું હોવાથી તેને સાવચેતી સાથે બહાર કાઢવાની કામગીરી કરવી પડશે. તેમજ સર્ચ ઓપરેશન બાદ જ પુલનો સ્લેબ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
( With input- Dharmendra kapasi)