બે દિવસમાં બે વાર… કાલોલમાં પીવાના પાણીમાંથી પશુના હાડકાં મળ્યા, તંત્રની સુરક્ષા સામે ઊઠ્યા સવાલો – જુઓ Video

બે દિવસમાં બે વાર… કાલોલમાં પીવાના પાણીમાંથી પશુના હાડકાં મળ્યા, તંત્રની સુરક્ષા સામે ઊઠ્યા સવાલો – જુઓ Video

| Updated on: Aug 14, 2026 | 6:50 PM

પંચમહાલના કાલોલમાં પીવાના પાણીના સંપમાંથી ફરી પશુઓના હાડકાં મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ સફાઈ બાદ પણ બે દિવસમાં બીજીવાર હાડકાં મળ્યા છે. કાલોલ ચીફ ઓફિસરે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકો નગરપાલિકાની બેદરકારી અને સુરક્ષાના અભાવ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

પંચમહાલના કાલોલ શહેરના દિવાનવાડી વિસ્તારમાં આવેલા પીવાના પાણીના સંપમાંથી ફરી એકવાર પશુઓના હાડકાં મળી આવતા ભારે ચકચાર મચી છે. બે દિવસ પહેલા સફાઈ દરમિયાન હાડકાં મળ્યા બાદ હવે ફરી સંપના પાણીમાં હાડકાં દેખાતા હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાને પગલે કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાલોલ પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળેથી હાડકાંના નમૂના મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ સંપમાંથી અનેક સોસાયટીઓ અને નગરપાલિકા વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જેથી લોકોના સ્વાસ્થ્ય અને પીવાના પાણીની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, નગરપાલિકા તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો છતાં સંપના તૂટેલા ઢાંકણાનું સમારકામ થયું નથી અને સુરક્ષાના કોઈ પગલાં લેવાયા નથી. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, જાણ થતા જ પાણીનો પુરવઠો બંધ કરીને સંપની સફાઈ અને ક્લોરીનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે, સ્થાનિકો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

Breaking News : અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી ! બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો – જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.