Ahmedabad : રસ્તાઓની બિસ્માર હાલત બાદ આખરે જાગ્યુ AMC ! રસ્તાની ગુણવતા સુધારવા મ્યુનિસિપલ કમિશનરે લીધો મોટો નિર્ણય

|

Nov 03, 2022 | 7:19 AM

જેમાં શહરેમાં નવા બનતા રોડમાં વપરાતી સામગ્રીના નમૂનાઓ લઇ તેનો લેબોરેટરી ટેસ્ટ કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ આ ટેસ્ટનું સર્ટિફિકેટ મનપાના સંબંધિત વિભાગને પણ અધિકારીઓએ મોકલવાનું રહેશે.

અમદાવાદમાં દર ચોમાસામાં બિસ્માર બની જતા રસ્તાઓની ગુણવતા સુધારવા હવે મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો નિર્ણય કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને રસ્તાઓ મુદ્દે વિશેષ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં શહરેમાં નવા બનતા રોડમાં વપરાતી સામગ્રીના નમૂનાઓ લઇ તેનો લેબોરેટરી ટેસ્ટ કરાવવાનો આદેશ કર્યો છે. તેમજ આ ટેસ્ટનું સર્ટિફિકેટ મનપાના સંબંધિત વિભાગને પણ અધિકારીઓએ મોકલવાનું રહેશે. TV9 સાથેની ખાસ વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર થેન્નારસને જણાવ્યું કે રોડ બનાવતી વખતે થ્રી-લેયરમાં સુપરવિઝન કરવામાં આવશે.  આ ઉપરાંત કોન્ટ્રાક્ટર માટે ડિફેક્ટ લાયેબિલિટીનો સમય 5 વર્ષ કરવામાં આવ્યો છે. જો નિયત સમયમાં રોડ તૂટશે તો કોન્ટ્રાક્ટરના ખર્ચે જ રોડ તૈયાર કરવામાં આવશે. રોડના કામમાં કરવામાં આવતી ગેરરીતિ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે.

ચોમાસામાં રસ્તાઓ ન તૂટે તે માટે મનપા કમિશનરનું માઇક્રો પ્લાનિંગ

આપને જણાવવુ રહ્યું કે, ભારે વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ હતી. રોડ પર ખાડા કે ખાડમાં રોડ છે તે કહેવું જ મુશ્કેલ હતુ. કોઈ પણ વિસ્તારમાં ફરી લો પરંતુ સમસ્યા તો એક જ સમાન છે. સૌથી ખરાબ સ્થિતિ છે કહેવાતા પોશ વિસ્તાર બોપલની. તંત્રએ અમદાવાદ કોર્પોરેશનમાં તો બોપલ-ઘુમા અને સાઉથ બોપલને ભેળવી દીધું હતુ પરંતુ તેનો કોઈ લાભ મળ્યો નથી. અહીંના રસ્તા પહેલા કરતા પણ ખરાબ થઈ ગયા છે. બોપલનો મુખ્ય માર્ગ હોય કે ઘુમા વિસ્તાર, બોપલ સ્ટર્લિંગ સિટી હોય કે અન્ય કોઈ પણ માર્ગ ક્યાંય તમને રોડ જોવા નહીં મળે. કેમ કે, ચારે તરફ ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ખાડા પણ એવા કે તમારે વાહન ચલાવવા બિલોરી કાચને લઈને રોડ શોધવો પડે. ત્યારે હવે ચોમાસામાં રસ્તાઓ ન તૂટે તે માટે મનપા કમિશનરનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યુ છે.

Published On - 7:19 am, Thu, 3 November 22

Next Video