Rajkot: રાજકોટ જિલ્લામાં આવેલા ખારચિયા ગામે ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના સરધાર ગામ નજીક આવેલા ખારચીયા ગામે મૂશળધાર વરસાદ (Torrential Rain) બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. TV9ના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ખારચિયા ગામની વરવી સ્થિતિ દર્શાવી રહ્યા છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. રસ્તાથી માંડીને રસોડા સુધી, જ્યાં નજર કરો ત્યાં નુકસાની જ નુકસાની સર્જાઈ છે.
પારાવાર તારાજીના દૃશ્યો
ક્યાંક પશુધન, તો ક્યાંક ઘરવખરી, ક્યાંક ઘરોમાં નુકસાન, તો ક્યાંક સામાન તણાઈ ગયો છે. આવી સ્થિતિમાં ખારચિયા ગામમાં આજે એકપણ ઘરનો ચૂલો નહીં સળગે. ગામના લોકો બસ ફૂડ પેકેટ અને તંત્રની મદદથી જીવન ગુજારો ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો : સમઢિયાળા ગામે ચાર ઈંચ વરસાદ ખાબકી જતા પાનસડા ગામ બન્યુ સંપર્કવિહોણુ
ખારચીયા ગામે જાણે કુદરતનો કોપ ઉતર્યો તેમ હોય વરસાદ બાદ નુકસાની સર્જાઈ છે. ગામના 20 થી 22 જેટલા મકાનો ધરાશાયી થયા છે. આ પ્રકારે કુદરતી કેર ગામલોકોએ ક્યારેય જોયો નથી. ગામલોકો નિરાશામાં સરી પડ્યા છે. લોકોના માલઢોર પણ તણાઈ જતા પારાવાર નુકસાની સર્જાઈ છે. લોકોના ઘરોમાં વરસાદી પાણીની સાથે કાદવ કિચડ આવી જતા વ્યાપક નુકસાની સર્જાઈ છે. એકપણ સામાન એવો બચ્યો નથી કે લોકો તેને ફરી ઉપયોગમાં લઈ શકે. હાલ ગામલોકો એકમાત્ર તંત્ર સામે મદદની આશ લગાવીને બેઠા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો