Ahmedabad: ટેક્સટાઈલના કાચા માલમાં (Textile raw material) ભાવ વધારો થતા વેપારીઓ હાલ પરેશાન થઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ટેક્સટાઈલના કાચામાલની કિંમતમાં 40 ટકાનો ભાવવધારો ઝિંકાયો છે. જેને કારણે વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે. આ અંગે વેપારીઓએ ચેમ્બર ઓફ કોમર્સ થકી સરકારને રજૂઆત કરી છે પરંતુ સરકાર તરફથી હજી આ દિશામાં કોઈ નક્કર પગલાં નહીં ભર્યા હોવાનું વેપારીઓનું કહેવું છે. વેપારીઓનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રી કોરોના બાદ માંડમાંડ બેઠી થઇ રહી છે તેવામાં ઉત્પાદનકારોએ કાચામાલના ભાવ વધાર્યા છે જેથી કાપડ ફેક્ટરી ધરાવતા વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
તો બીજી તરફ અમદાવાદની કાપડ બજારમાં ‘GST હટાવો’ ના બેનરો લાગ્યા છે. કાપડ ઉદ્યોગમાં GST વધારવાના મુદ્દે ન્યુ ક્લોથ માર્કેટની દુકાનોના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. 1 જાન્યુઆરીથી સરકારે કાપડ ઉદ્યોગમાં 5 ટકાથી GST વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જેને લઈ દેશભરના વેપારીઓએ સરકારને GST ન વધારવા રજૂઆત કરી છે.
અગ્રણીઓ સાથે મિટિંગ કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો હોવાથી વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વેપારીઓ આગામી સમયમાં કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરશે તેમજ આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો સમગ્ર દેશના કાપડ વેપારીઓ અહિંસાના માર્ગે ઉગ્ર વિરોધ કરવાનુ જણાવ્યું. આ સાથે અમદાવાદના વેપારી એસોસિએશને પણ રાજ્યના તમામ કાપડ વેપારીઓને વિરોધમાં જોડાવા અપીલ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: Bhakti: શું તમને પણ થાય છે આ સવાલ ? કેમ સોમવાર મનાય છે શિવપૂજા માટે શ્રેષ્ઠ ?