અમદાવાદ : નો કેટલ ઝોનમાંથી તાકીદના ધોરણે રખડતા ઢોરને પકડવાની કામગીરી, 5800 કેટલ ઢોર ડબ્બે પુરાયા-વીડિયો

| Edited By: | Updated on: Nov 02, 2023 | 6:56 PM

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા અમલમાં લવાયેલી નવી કેટલ પોલિસીની કામગીરીને અસરકારક બનાવવા તમામ ઝોનમાંથી નો કેટલ ઝોનમાં રખાયેલા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. નવી પોલિસીના અમલ બાદ શહેરમાંથી 5800 ઢોર પકડવામાં આવ્યા છે.

અમદાવાદમાં રખડતી રંઝાડથી શહેરીજનોને મુક્ત કરવા માટે હાઈકોર્ટની ફટકાર બાદ નવી પોલિસી અમલમાં મુકવામાં આવી છે. નવી કેટલ પોલિસી આવ્યા બાદ શહેરમાંથી 5800 જેટલા રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે, જેમા સપ્ટેમ્બર મહિનામાં 3300 અને ઓક્ટોબર મહિનામાં 2500 ઢોર પકડવામાં આવ્યા છે. હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં 1 સપ્ટેમ્બરથી નવી કેટલ પોલિસી અમલી કરાઈ છે.

લાયસન્સ વિનાના ઢોરને શહેર બહાર રાખવા મનપા કમિશનરની તાકીદ

આ પોલિસીને અસરકારક બનાવવા મનપા કમિશનર એમ થેન્નારસને પરિપત્ર કરી તમામ ઝોનના અધિકારીઓને તાકીદ કરી છે. જેમા જે પશુમાલિકો પાસે પશુની સંખ્યા પ્રમાણે રાખવાની જગ્યાનો અભાવ તેમને બે દિવસમાં ઢોરોને શહેર બહાર શિફ્ટ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. તાકીદ કર્યા બાદ પણ પશુ માલિક ઢોરોને શહેર બહાર શિફ્ટ ન કરે તો તેમના પશુઓને ઢોર ડબ્બે પુરવાની કાર્યવાહી કરવામાં આવશે. સમય અપાયા બાદ પણ પશુઓને શિફ્ટ ન કરાયા હોય તેવા લાયસન્સ- પરમીટ વગરના પશુઓને ઢોર પાર્ટી દ્વારા પકડવાની કામગીરી શરૂ છે.

ઢોર પાર્ટી દ્વારા દક્ષિણ બોપલ વિસ્તારના ગોપાલક આવાસમાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી. જ્યાં માલધારીઓએ તેમના ઢોરને ટેમ્પામાં ભરી તેમના વતન લઈ જતા જોવા મળ્યા હતા. અગાઉ નારોલ વિસ્તારમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને મળેલી ધમકી અને મકરબા વિસ્તારમાં માલધારીઓએ ઢોર પાર્ટી સાથે કરેલી માથાકૂટના બનાવોને પગલે હવે ઢોર પાર્ટી ખાનગી બાઉન્સરોને સાથે રાખીને ઢોરને પકડવાની કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો: જામનગર સમાચાર : તહેવારોમાં ફૂલોના ભાવમાં ધરખમ વધારો ! માગ વધતા બમણો ભાવ થયો

1લી નવેમ્બરે 300 રખડતાં ઢોર પકડવામાં આવ્યા

કોર્પોરેશનની ઢોર પાર્ટીએ 1લી નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 300 રખડતા ઢોરને પકડ્યા. જેમા પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ 71, દક્ષિણ ઝોનમાંથી 52, પશ્ચિમ ઝોનમાંથી 50, મધ્યઝોનમાંથી 45 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 33, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી 23 અને ઉત્તરઝોનમાંથી 26 રખડતા પશુને પકડવામાં આવ્યા.જેની સાથે 27,870 કિલો ઘાસચારાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો