અમદાવાદ : દિવાળી આવતા જ સક્રીય થયું આરોગ્ય વિભાગ, ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ફૂડ વિભાગનું ચેકિંગ
સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જ્યાં મીઠાઈઓ બની રહી છે ત્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. પરંતુ આવા સમયે પણ આરોગ્ય વિભાગ ફક્ત સર્ચ ઓપરેશન અને ચેકિંગના નામે દેખાડો કરે છે
દિવાળી અને નવા વર્ષના તહેવારોની સિઝન આવી રહી છે. આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સક્રીય થયો છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ચેકિંગ દરમિયાન મીઠાઈ કેવા સ્થળે બનાવવામાં આવે છે, સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે કે નહીં, તેમજ આ મીઠાઈઓ ખાવાલાયક છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી. સાથે જ આરોગ્ય વિભાગે અમુક એકમોમાંથી મીઠાઈ અને ફરસાણના નમૂના પણ લીધા છે. જે તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે. જેનો રિપોર્ટ 15 દિવસ બાદ આવશે.
આ દરમિયાન ટીવીનાઈને એવા એકમોની મુલાકાત લીધી, જ્યાં એ મીઠાઈઓ બનાવવામાં આવે છે. અહીં બનતી મીઠાઈઓને ગ્રાહકો પાસેથી મોં માગ્યા ભાવ વસૂલવામાં આવે છે. સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જ્યાં મીઠાઈઓ બની રહી છે ત્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. પરંતુ આવા સમયે પણ આરોગ્ય વિભાગ ફક્ત સર્ચ ઓપરેશન અને ચેકિંગના નામે દેખાડો કરે છે કે પછી સાચે જ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા લોકો અને એકમો વિરુદ્ધ પગલાં લે છે તે એક મોટો સવાલ છે.