Ahmedabad: સાબરમતીમાં ઠેર-ઠેર લીલ અને જળકુંભીનું સામ્રાજ્ય, 3 વર્ષમાં નદીના શુદ્ધિકરણ પાછળ કરેલો 282.17 કરોડનો ખર્ચ પાણીમાં

|

Aug 10, 2022 | 9:10 AM

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સાબરમતી નદીને (Sabarmati river) સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં હજીપણ સાબરમતીમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.

અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી નદી દિવસે દિવસે વધુને વધુ પ્રદૂષિત થતી જઇ રહી છે. સાબરમતિ નદીમાં લીલ-જળકુંભીનું સામ્રાજ્ય વધી રહ્યુ છે. સુભાષ બ્રિજથી દધીચિ બ્રિજ સુધી સાબરમતી નદીમાં લીલ ફેલાયેલી જોવા મળે છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સાબરમતી નદીને (Sabarmati river) સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં હજીપણ સાબરમતીમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ 282.17 કરોડનો ખર્ચ કરાયો છે. જો કે આ તમામ ખર્ચ પાણીમાં ગયો હોય તેવુ જોવા મળી રહ્યુ છે.

નદીમાં ગંદકી જ ગંદકી

એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. તેમ છતાં સાબરમતી નદીમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં ફરી એક વખત સાબરમતી નદીમાં લીલ અને જળકુંભીનું સામ્રાજ્ય છવાયું છે. સુભાષ બ્રિજથી લઇને દધીચિ બ્રિજ સુધી જ્યાં જુઓ ત્યાં જળકુંભી જોવા મળી રહી છે. નદી પર એટલા મોટા પ્રમાણમાં લીલ અને જળકુંભી છવાઇ ગઇ છે કે નદીમાં પાણી પણ શોધવું પડે તેમ છે.

કરોડોનો ખર્ચ પાણીમાં

છેલ્લા 3 વર્ષમાં જ સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ 282.17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અટલ મિશન ફોર રિજૂવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન હેઠળ 27.5 કરોડનો ખર્ચ કરાયો છે. જ્યારે કે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ 151 કરોડનો ખર્ચ કરાયો છે. બીજી તરફ સ્ટેટ સ્વર્ણિમ સ્કીમ હેઠળ 24.28 કરોડ તેમજ અમદાવાદ મનપાએ 5.71 કરોડનો ખર્ચ સાબરમતીના શુદ્ધિકરણ માટે કર્યો છે. જ્યારે કે ASIDE સ્કીમ હેઠળ રાજ્ય કેન્દ્ર સરકાર ટેક્સ્ટાઇલ એસોસિએશનએ પણ 73.68 કરોડ ખર્ચ્યા છે. પરંતુ હાલ જે સાબરમતી નદીની હાલત છે તે જોતા શુદ્ધિકરણ પાછળ ખર્ચાયેલા 282 કરોડ પાણીમાં ગયા છે.

Next Video