અમદાવાદ : ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટમાં કેફેમાં પેટ્રોલ છાંટી લગાડી આગ – જુઓ વીડિયો

અમદાવાદમાં દિવસે દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. પોલીસ કે કાયદાનો જાણે ડર જ ન રહ્યો હોય તેમ અસામાજિક તત્વો કાયદો હાથમાં લઈ રહ્યા છે. શહેરના ચાંદખેડામાં આવેલા જગતપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. જેમા સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ લીધુ અને સમગ્ર કેફેને આગને હવાલે કરી દેવામાં આવ્યુ. જે આપ અહીં વીડિયોમાં જોઈ શકો છો.

| Edited By: | Updated on: Dec 02, 2023 | 6:01 PM

અમદાવાદના જગતપુર રોડ પર આવેલા પટેલ કાફેમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ. ફરિયાદી જયેશ પટેલના કેફે પાર્લરમાં મોડી રાત સુધી લોકો ખાણીપીણી માટે આવતા હોય છે. બે દિવસ પહેલા એક કારમાં અમુક યુવકો જમવા માટે આવ્યા હતા અને ગાડી મુકવા બાબતે પાર્લરના વેપારીઓ સાથે ઝઘડો થયો હતો. સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જોકે બાદમાં સમાધાન થઈ જતા કોઈએ ફરિયાદ કરી ન હતી. જોકે બીજા જ દિવસે કાર લઈને કેફે પર આવેલા યુવકોએ ફરી આવીને કેફેમાં પેટ્રોલ છાંટી આગ લગાવી હતી.

સમાધાન બાદ ફરી માથાકૂટ કરી કેફેમાં લગાવી આગ

બપોરના સમયે રાજસ્થાન પાસિંગની ગાડીમાં અમુક શખ્સો કેફે પર આવી પહોંચ્યા હતા અને જોરજોરથી ગાળો બોલીને આગ લગાવી દીધી હતી. જે આગમાં લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આરોપીઓએ કેફેમાં રહેલા ગલ્લાનાં દોઢ લાખ રૂપિયા પણ લૂંટી લીધા હતા. જે બાદ તમામ ફરાર થઈ જતા સ્થાનિક વેપારીઓએ આગ પર કાબુ મેળવ્યા બાદ અંતે આ મામલે દિલીપસિંહ જોધા, સુરેન્દ્રસિંહ રાઠોડ, ભરતસિંહ રાઠોડ અને વિજેન્દ્રસિંહ રાજપુત નામના શખ્સો સામે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:  અમદાવાદ : શોર્ટકટથી પૈસા કમાવવા મકાન માલિક અને ભાડુઆતે નશાકારક સિરપ બનાવવાનો ઘડ્યો પ્લાન, સિરપ વેચે તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર

મહત્વનું છે કે આ ગુનામાં સામેલ એક આરોપીએ વેપારીઓ સામે પણ મારામારીની ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે હાલ તો આ ઘટનામાં સામેલ મુખ્ય આરોપીઓ સહિત અન્યની શોધખોળ હાથ ધરી છે. વેપારીઓએ આરોપીઓની કારના વીડિયો બનાવ્યા હોય જેમાં કારમાં બોટલો જોવા મળતા આરોપીઓ નશામાં હતા કે કેમ તેને લઈને પણ સવાલ ઉભા થયા છે. જોકે આ ઘટના પાછળનું ખરું કારણ તો આરોપીઓ પકડયા બાદ જ સામે આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો