પેપરકાંડ પર કાર્યવાહી માત્ર કાગળ પર ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.com ના પેપર લીકની ઘટના પર હજુ સુધી ફરિયાદ પણ નહીં
પેપર લીકની ઘટના બની ત્યાર બાદથી યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. સિન્ડિકેટના ઠરાવ બાદ પણ હજુ સુધી ફરિયાદ દાખલ ન કરાતા સત્તાધીશો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ છે કે શું તેવી ચર્ચા ચાલી રહી છે.
પંચાયત સેવા પસંદગી બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયા બાદ સરકાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત તો કરી રહી છે. પરંતુ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.com ના પેપર લીકની ઘટનાને 110 દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરાઇ નથી. જેના કારણે યુનિવર્સિટીના સત્તાધીશોની દાનત પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ઘટનાને 110 દિવસો વીતી ગયા હોવા છતાં કોઈ ફરિયાદ નહીં
પેપર લીકની ઘટના બની ત્યાર બાદથી યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે.સિન્ડિકેટના ઠરાવ બાદ પણ હજુ સુધી ફરિયાદ દાખલ ન કરાતા સત્તાધીશો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ છે કે શું તેવી ચર્ચા ચાલી રહી છે. પેપર લીકમાં ભાજપના જ એક અગ્રણીની કોલેજનું નામ ચર્ચા છે.
આ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવાના કેસમાં તપાસ કરવામાં આવી હતી, ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી છે. અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોલેજોમાંથી પરત મંગાવેલા B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા હતા. જેને લઇ અલગ અલગ કોલેજો પર શંકા છે. પરંતુ હજી કઇ કોલેજ અને ક્યાંથી પેપર લીક થયું તે બહાર નથી આવ્યું.