MEHSANA : કોરોનાના ત્રીજી લહેરની દહેશત વચ્ચે મહેસાણા જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. લોકોને પુરતી આરોગ્ય સેવા મળી રહે તે માટે આરોગ્ય તંત્રએ કમર કસી છે. જિલ્લામાં 7 સરકારી અને 5 પ્રાઇવેટ મળી કુલ 12 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જિલ્લામાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલોમાં 3,181 બેડ તૈયાર રખાયા છે. જે પૈકી 254 બેડ વેન્ટિલેટરથી સજ્જ છે. જ્યારે 1, 594 ઓક્સિજન વાળા બેડ છે. દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે.
આ અંગે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલે જણાવ્યું કે મહેસાણા જિલ્લાના આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા બેડની પુરતી વ્યવથા કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં જે મુશ્કેલીઓ પડી હતી એને ધ્યાનમાં રાખીને લોકોને વધુમાં વધુ બેડ ઉપલબ્ધ થાય અને હાલાકી ન ભોગવવી પડે એ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં થઈને કુલ 3,181 બેડ તૈયાર કરવામાં આવ્યાં છે.
મહેસાણામાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ જોઈએ તો ગઈકાલે 1 જાન્યુઆરીએ જિલ્લામાં 3 નવા કેસ નોંધાયા હતા. તો અત્યાર સુધીમાં ઓમિક્રોનના 4 કેસ નોંધાયા હતા, જેમાંથી 3 કેસ રીકવર થયા છે અને 1 દર્દી સારવાર હેઠળ છે. ગુજરાત સરકારના કોવિડ-19 ટ્રેકર પ્રમાણે મહેસાણામાં કોરોના વાયરસના 17 એક્ટીવ કેસ છે. મહેસાણામાં અત્યાર સુધીમાં 177 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.
આ પણ વાંચો : GUJARAT : 3 જાન્યુઆરીથી બાળકોના રસીકરણની મેગાડ્રાઈવ, આ રીતે કરો તમારા બાળકનું રજીસ્ટ્રેશન
Published On - 10:54 am, Sun, 2 January 22