MONEY9: કપાસનાં ખેડૂતો રાજીનાં રેડ પણ ટેક્સટાઈલ કંપનીઓનો છૂટ્યો પરસેવો

|

May 17, 2022 | 3:54 PM

કપાસના ભાવ ગયા વર્ષ કરતાં દોઢ ગણા વધી ગયા છે, જેથી ખેડૂતોના ચહેરા પર ચમક આવી ગઈ છે, પરંતુ ટેક્સટાઈલ ઉદ્યોગનો પરસેવો છૂટી ગયો છે.

MONEY9: ઘઉં (WHEAT)ની નિકાસ પર પ્રતિબંધ લાગી ગયો છે ત્યારે કપાસ (COTTON)ની નિકાસ (EXPORT)ને લઈને ઉકળાટ વધી ગયો છે. અરે! વધે જ ને, કારણ કે, કપાસના ભાવ પણ આભ આંબવા મથી રહ્યાં છે. 11 મે, બુધવારના રોજ રાજકોટના કૃષિ બજારોમાં એક ક્વિન્ટલ કપાસનો ભાવ 13,405 રૂપિયા બોલાયો, આ ભાવ એક વર્ષ પહેલાં 7,000 રૂપિયાની આસપાસ હતો. 

આટલો ઊંચો ભાવ જોઈને ખેડૂતો તો ખુશખુશાલ છે, કારણ કે, ભાવ ગયા વર્ષ કરતાં દોઢ ગણો છે, પરંતુ ખેડૂતોનો ફાયદો ટેક્સટાઈલ માર્કેટ માટે નુકસાની લઈને આવ્યો છે. કપડાંના ભાવ વધી રહ્યાં છે અને તેનો ભોગ બની રહ્યાં છે કપડાં ખરીદનારા ગ્રાહકો. પરિણામે, ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે પીસાઈ રહ્યો છે ટેક્સટાઈલ ઉદ્યોગ. 

એક બાજુ કાચો માલસામાન મોંઘો થઈ રહ્યો છે, તો બીજી બાજુ કપડાંની માંગ ઘટવાનો ભય સતાવી રહ્યો છે. ટેક્સટાઈલ કંપનીઓએ કાચા માલ માટે કરવો પડતો ખર્ચ એક વર્ષમાં બમણો થઈ ગયો છે. ગયા વર્ષના મેમાં એક કેન્ડી રૂ માટે 48,000 રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ આ વર્ષે તો 95,000 રૂપિયા ચૂકવવા પડે છે. આ વર્ષે આખીયે દુનિયામાં કપાસના ભાવ વધ્યા છે, ઓછામાં પૂરું ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી સિન્થેટિક ફાઈબરની કિંમત પણ વધી ગઈ છે. 

ભારતમાં કપાસનું ઉત્પાદન થવા અંગે અગાઉ જે અંદાજ બાંધવામાં આવ્યો હતો, તે હવે ઘટાડવામાં આવ્યો છે. પહેલાં તો અંદાજ હતો કે, ભારતમાં 343 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થશે, પરંતુ હવે આ અંદાજ ઘટાડીને 335 લાખ ગાંસડી કરવામાં આવ્યો છે. 

કોરોનાપ્રેરિત લોકડાઉન પૂરું થયું એટલે આ વર્ષે દેશમાં કપાસની માંગ વધવાની શક્યતા છે. ગયા વર્ષે ભારતમાં 335 લાખ ગાંસડી કપાસનો ઉપાડ થયો હતો અને આ વર્ષે 340 લાખ ગાંસડીનો ઉપાડ થવાની શક્યતા છે. ગયા વર્ષે કપાસનો લગભગ 75 લાખ ગાંસડી કપાસ બચ્યો હતો અને તેને પણ ગણતરીમાં લઈએ તો, ભારતમાં કપાસની માંગને પહોંચી વળવા માટે પૂરતો જથ્થો છે. 

પરંતુ કપાસની નિકાસને લઈને ટેક્સટાઈલ ઉદ્યોગની ચિંતા વધી ગઈ છે. ઓક્ટોબરમાં નવો પાક આવવાનો શરૂ થયો ત્યારથી માર્ચના અંત સુધીનાં 6 મહિનામાં ભારતે 35 લાખ ગાંસડી કપાસની નિકાસ કરી દીધી છે. ઉદ્યોગજગતને ચિંતા છે કે, જો નિકાસમાં હજુયે વધારો થશે, તો સ્થાનિક જરૂરિયાતને પૂરી કરવા માટે માલ જથ્થો જશે. આ કારણસર જ, ટેક્સટાઈલ ઉદ્યોગે કપાસની નિકાસ અટકાવવાની માંગણી સરકાર સમક્ષ મૂકી છે. 

જોકે, નિકાસ અટકાવવા અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી, પરંતુ સ્થાનિક સ્તરે સપ્લાય વધે તે માટે ગયા મહિને આયાત ડ્યૂટી નાબૂદ કરવામાં આવી હતી. ડ્યૂટી નાબૂદ થઈ તેની પહેલાંનાં 6 મહિનામાં લગભગ 6 લાખ ગાંસડી કપાસની આયાત થઈ હતી. 

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કપાસના ભાવ આભ આંબી રહ્યાં છે અને આથી, આટલા મોંઘા કપાસની આયાત પણ વધે તેવી શક્યતા નથી. આથી, જ તો ટેક્સટાઈલ ઉદ્યોગ નિકાસ અટકાવવાની માંગણી કરે છે. જો સરકાર આ સમસ્યાનું નિકારકણ સમયસર નહીં લાવે તો, ઉદ્યોગની ચિંતાનો પારો ઉપર જશે અને તેની સાથે સાથે કપડાંના ભાવ પણ ઉપર જવાની શક્યતા છે.

Next Video