શનિ શિંગણાપુર કરતા પણ પ્રાચીન છે આ શનિધામ, અહીં શ્રીકૃષ્ણએ શનિદેવને આપ્યું હતું વરદાન!

| Edited By: | Updated on: Apr 30, 2022 | 9:46 AM

શનિદેવ બાળકૃષ્ણના દર્શન માટે નંદગાંવ આવ્યા પણ તેમનું શ્યામ અને ભયંકર રૂપ જોઈ મા યશોદા ગભરાઈ ગયા અને તેમણે શનિદેવને બાળકૃષ્ણના દર્શન જ ન કરાવ્યા. અત્યંત દુઃખી થયેલાં શનિદેવ નંદગાંવની નજીકે આવેલાં એક ગાઢ વનમાં આવ્યા.

સમગ્ર ભારતમાં શનિદેવના અનેક મંગળકારી સ્થાનકો વિદ્યમાન છે પણ ભક્તોને તો શનિદેવ બોલતા જ સર્વ પ્રથમ શનિ શિંગણાપુરના શનિ મહારાજનું જ સ્મરણ થઈ આવતું હોય છે. અલબત્, અમારે આજે એક એવા શનિધામની વાત કરવી છે કે જે શિંગણાપુર કરતા પણ પ્રાચીન મનાય છે. કારણ કે આ સ્થાન સાથે સ્વયં શ્રીકૃષ્ણનો નાતો જોડાયેલો હોવાની વાયકા છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં શનિદેવ દંડનાયકના રૂપે નહીં, પરંતુ વરદાયકના રૂપે વિદ્યમાન થયા છે. કારણ કે આ સ્વયં તેમની તપોભૂમિ રહી છે.

ઉત્તર પ્રદેશના મથુરામાં કોકિલાવન કરીને સ્થાન આવેલું છે. પ્રસિદ્ધ નંદગાંવથી કોકિલાવનનું અંતર લગભગ 6 કિલોમીટર છે. અહીં અત્યંત વિશાળ પરિસરમાં શનિદેવનું મંદિર સ્થાપિત છે. સ્થાનકની સમીપે પહોંચતા જ શ્રદ્ધાળુઓેને શનૈશ્વરની અત્યંત ભવ્ય પ્રતિમાના દર્શન થાય છે. સૂર્યપુત્રની આવી ચતુર્ભુજ ભવ્ય પ્રતિમા બીજે ક્યાંય જોવા નથી મળતી તો અહીં મુખ્ય મંદિરની અંદર પણ શનિદેવનું દુર્લભ સ્વરૂપ પ્રસ્થાપિત થયું છે.

સામાન્ય રીતે મંદિરોમાં શનિદેવની મૂર્તિના અથવા તો તેમના શિલા સ્વરૂપના દર્શન થતાં હોય છે. પરંતુ, કોકિલાવનમાં તો શનિદેવ મૂર્તિશિલાના એકાકાર સ્વરૂપે વિદ્યમાન થયા છે. શિલાની ચારે તરફ ચાર એકરૂપ શનિ પ્રતિમા અંકિત થઈ છે. એટલે કે ચારેય દિશાએથી ભક્તોને પ્રભુના એકસમાન રૂપના દર્શનનો લાભ મળે છે. તેમના આ દિવ્ય રૂપનો મહિમા જ તો ભક્તોને અહીં આવવા આકર્ષી રહ્યો છે.

કોકિલાવનધામનું પ્રાગટ્ય

પ્રચલિત કથા અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો, ત્યારે તમામ દેવી-દેવતાઓ તેમના દર્શનાર્થે નંદગાંવ પધાર્યા. શનિદેવ પણ બાળકૃષ્ણના દર્શન માટે નંદગાંવ આવ્યા પણ તેમનું શ્યામ અને ભયંકર રૂપ જોઈ મા યશોદા ગભરાઈ ગયા અને તેમણે શનિદેવને બાળકૃષ્ણના દર્શન જ ન કરાવ્યા. અત્યંત દુઃખી થયેલાં શનિદેવ નંદગાંવની નજીક આવેલા એક ગાઢ વનમાં આવ્યા અને શ્રીકૃષ્ણના દર્શનની મનશા સાથે તપસ્યામાં લાગી ગયા. આખરે, તેમના તપથી પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણએ તેમને કોયલના રૂપમાં દર્શન આપ્યા.

કહે છે કે શ્રીકૃષ્ણએ આ ધરા પર શનિદેવને કોયલના રૂપે દર્શન આપ્યા હોઈ આ સ્થાન કોકિલાવનના નામે ખ્યાત થયું. શ્રીકૃષ્ણના દર્શન કરી શનિદેવ અત્યંત પ્રસન્ન થયા. ત્યારે શ્રીકૃષ્ણએ તેમને કહ્યુ “હે શનિદેવ! હવે આપ અહીં જ નિવાસ કરી આ ભૂમિનું માહાત્મ્ય વધારો. જેમ મેં અહીં તમારી અભિલાષાને પૂર્ણ કરી છે, તે જ રીતે તમે તમારા ભક્તોના મનોરથોને અહીં પૂર્ણ કરજો.” લોકવાયકા અનુસાર શ્રીકૃષ્ણની ઈચ્છાને વશ થઈ શનિદેવ અહીં વિદ્યમાન થયા છે અને આસ્થા સાથે અહીં દર્શનાર્થે આવનાર ભક્તોના કષ્ટને નષ્ટ કરી રહ્યા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)


આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ વિદ્યમાન થયા છે શ્રીવેંકટેશ્વર ! તિરુમાલાના તિરુપતિ બાલાજી જેવો અહીંનો મહિમા

આ પણ વાંચોઃ શનિવારી અમાસ અને ગ્રહણનો દુર્લભ યોગ, પૂર્ણ કરશે આપના સઘળા મનોરથ !