પ્રસાદની મીઠાશ તમારા જીવનમાં વરસાવશે ખુશીઓનો વરસાદ ! જાણો, દેવી-દેવતાના પ્રિય નૈવેદ્ય

જેમ નૈવેદ્યમાં મીઠાશ અને મધુરતા હોય છે, તેવી જ રીતે તમારા જીવનમાં મીઠાશ અને મધુરતા હોવી જરૂરી છે. કહે છે કે દેવી-દેવતાઓને તેમનું પ્રિય નૈવેદ્ય અર્પણ કરવાથી તમારા જીવનમાં મધુરતા, સૌમ્યતા અને સરળતા આવશે. સાથે જ તે આપની સઘળી મનોકામનાઓની પૂર્તિ પણ કરશે !

TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 28, 2022 | 9:31 AM

હિન્દુ ધર્મમાં પૂજા-વિધાનનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ દેવી દેવતાને અર્પણ થતા પ્રસાદનું પણ છે. આ પ્રસાદને આપણે ભોગ કે નૈવેદ્ય કહીએ છીએ. દેવતાઓ અને દેવીને ધરાવવામાં આવતા પ્રસાદનું એક આગવું જ મહત્વ છે. દેવી-દેવતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ માર્ગ જો કોઈ હોય, તો તે તેમને અર્પણ થતો તેમનો પ્રિય પ્રસાદ (Prasad) છે. માન્યતા અનુસાર ભગવાનને તેમની પસંદગી મુજબનો પ્રસાદ જો અર્પણ કરવામાં આવે તો તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવો, આજે આ જ સંદર્ભે વિગતે માહિતી મેળવીએ.

શ્રદ્ધાળુઓ વિવિધ પૂજા વિધાન દ્વારા દેવી દેવતાને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. પણ, ઘણાં ઓછા શ્રદ્ધાળુઓને ખ્યાલ છે કે શ્રદ્ધાથી દેવી-દેવતાને પ્રસાદ અર્પણ કરીને પણ તેમની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે ! જેમ નૈવેદ્યમાં મીઠાશ અને મધુરતા હોય છે, તેવી જ રીતે તમારા જીવનમાં મીઠાશ અને મધુરતા હોવી જરૂરી છે. દેવી અને દેવતાને નૈવેદ્ય અર્પણ કરવાથી તમારા જીવનમાં મધુરતા, સૌમ્યતા અને સરળતા આવશે. દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે તેમને પ્રિય પ્રસાદ કે નૈવેદ્ય અર્પણ કરીને આપ તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. એટલું જ નહીં, તે તમને જીવનમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિની પણ પ્રાપ્તિ કરાવશે. ત્યારે આવો જાણીએ, કે કયા દેવી-દેવતાને કયું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ.

શ્રીગણેશ

સમગ્ર દેવી-દેવતાઓમાં શ્રીગણેશને સૌથી પહેલા પૂજવામાં આવે છે. કારણ કે ગણપતિને પ્રથમ પૂજનીય મનાયા છે. ગણપતિ દાદાને મોદક, લાડુ ખૂબ જ પ્રિય છે. આપ જો તેમની પૂજા કરી રહ્યા છો તો તમારે તેમને મોદક કે લાડુ અવશ્ય ધરાવવો જોઈએ. જેથી શ્રીગણેશ ઝડપથી પ્રસન્ન થઇને તમારી મનોકામના પૂર્ણ કરશે.

મહાદેવ

દેવોના દેવ મહાદેવને જો તમે પ્રસન્ન કરવા માંગો છો તો તેમને તો એક લોટો જળ અર્પણ કરો એટલે તે પ્રસન્ન થઇ જશે. પણ મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા તેમને જળની સાથે દૂધ પણ અર્પણ કરો. આ રીતે તેમનો અભિષેક કરશો તો તમારા જીવનમાં ક્યારેય કોઇ સમસ્યા નહીં રહે.

માતા લક્ષ્મી

ધનની દેવી લક્ષ્મીને સફેદ રંગની વસ્તુઓ ખૂબ પ્રિય છે. માતાજીને ચોખા અને દૂધથી બનેલ વાનગીઓ બહુ જ પસંદ હોય છે. તેમજ માતા લક્ષ્મીને મખાના પણ ખૂબ જ પ્રિય છે. તમે જો માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે ખીરનો પ્રસાદ અર્પણ કરશો તો માતા લક્ષ્મીની વિશેષ કૃપા આપના પર સદાય રહેશે.

ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુઓ ખૂબ પ્રિય હોય છે. ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનને બેસનના લાડુ અથવા ગોળ અર્પણ કરશો તો તે ચોક્કસથી પ્રસન્ન થશે. તેનાથી આપની મનોકામના તો પૂર્ણ થશે જ, સાથે જ રોકાયેલા કાર્યો પણ પરિપૂર્ણ થશે.

શનિદેવ

શનિદેવને કાળો રંગ ખૂબ પ્રિય છે. શનિદેવને પ્રસન્ન કરવા શનિવારના દિવસે કાળા તલ કે સરસિયાનું તેલ તેમને અર્પણ કરવું જોઈએ. આ કાર્ય કરવાથી આપની કુંડળીમાં રહેલ શનિગ્રહ સંબંધિત દોષમાંથી આપને મુક્તિ મળે છે. સાથે જ પ્રસાદમાં તેમને અડદની દાળની ખીચડીનો ભોગ અર્પણ કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ રાખી લો આ નાની-નાની બાબતોનું ધ્યાન, તમામ ગ્રહદોષ ઝડપથી થઈ જશે શાંત !

આ પણ વાંચોઃ અહીં સાક્ષાત કાળ બનીને શ્રીરામે કર્યો હતો અસુરોનો સંહાર ! જાણો, નાસિકના કાલારામનો મહિમા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">