ગૌતમ બુદ્ધને લગભગ બધા જ ઓળખે છે. ગૌતમ બુદ્ધ એ જ છે, જેમણે બૌદ્ધ ધર્મની શરૂઆત કરી હતી. બૌદ્ધ ધર્મ એ વિશ્વનો પ્રાચીન ધર્મ છે અને બૌદ્ધ ધર્મના અનેક અનુયાયીઓ છે. ભગવાન બુદ્ધની અનેક મૂર્તિઓ છે, જે જોવામાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે.
ગૌતમ બુદ્ધની ક્યાંક સાધના કરતી મૂર્તિ જોવા મળશે, તો ક્યાંક ધ્યાન કરતી મૂર્તિ જોવા મળશે. બધી જ મૂર્તિઓ કંઈક ખાસ હોય છે. આ બધી જ પ્રતિમાઓ એક વસ્તુ સમાન છે અને તે છે તેમના સર્પાકાર વાળ, જે ગૌતમ બુદ્ધની દરેક પ્રતિમામાં દેખાય છે. આજે ગૌતમ બુદ્ધના વાંકડિયા વાળ પાછળના રહસ્યની કથા જાણીશું.
ગૌતમ બુદ્ધની પ્રત્યેક પ્રતિમામાં જે વાંકડિયા વાળ જોવા મળે છે, ખરેખર તે વાળ નથી. તો તે શું છે? ગૌતમ બુદ્ધના માથા પર જે વાળ દેખાય છે, તે ગોકળગાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે બૌદ્ધ સાધુઓ મુંડન કરાવે છે. બૌદ્ધ ધર્મના ત્રિપિટકના વિનયપીટક ગ્રંથમાં આ અંગેની ઘણી માર્ગદર્શિકા લખેલી છે. જો આ દિશાનિર્દેશોનું પાલન કરીએ, તો એવું લખ્યું છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શરીર અને મન બંને એકદમ શુદ્ધ હોવા જોઈએ. આ દિશાનિર્દેશોનું પાલન કરવા માટે બૌદ્ધ સાધુઓ મુંડન કરાવે છે.
ગૌતમ બુદ્ધએ પણ જ્યારે તેણે પોતાના રાજ્યનો ત્યાગ કર્યો, ત્યારે મુંડન કરાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે, એક સમયે ગૌતમ બુદ્ધ ધ્યાનમાં મગ્ન હતા. તે ઝાડ નીચે બેસીને ધ્યાન કરતા હતા. ધ્યાન કરતી વખતે, તે ધ્યાનમાં એટલા લીન થઈ ગયા કે તેને બાહ્ય દુનિયા કે તેના શરીરની કોઈ ખબર જ ના રહી. ત્યારે ઉનાળાનો સમય હતો અને સૂર્યનો સખત તાપ ગૌતમ બુદ્ધના માથા પર પડી રહ્યો હતો. આ સમય દરમિયાન પણ ગૌતમ બુદ્ધ ધ્યાનમાં લીન હતા.
આ સમયે એક ગોકળગાય આવી અને તેને ભગવાન બુદ્ધ તરફ જોયું. તેણે વિચાર્યું કે, આટલા તીવ્ર ઉનાળામાં પણ ગૌતમ બુદ્ધ કેવી સાધના કરી રહ્યા છે. તેમના માથા પર વાળ પણ નથી તેથી ખૂબ જ ગરમી લાગતી હશે.
આ બધું વિચાર્યા બાદ ગોકળગાય ગૌતમ બુદ્ધના માથા સુધી પહોંચી. ત્યારબાદ તેણે વિચાર્યું કે, જો હું ગૌતમ બુદ્ધના માથા પર રહીશ, તો તેને ગરમી ઓછી લાગશે. આ ગોકળગાયને જોઈ બીજી અનેક ગોકળગાય ગૌતમ બુદ્ધના માથા પર આવી. આ રીતે 108 ગોકળગાય ગૌતમ બુદ્ધને તાપથી બચાવવા માટે તેના માથા પર બેસી ગઈ. એવું કહેવામાં આવે છે કે, આ 108 ગોકળગાયે ભગવાન બુદ્ધ માટે પોતાનો જીવ આપ્યો હતો.
ગોકળગાયે બુદ્ધ માટે પોતાનો જીવ આપ્યો હોવાથી તેને શહીદ તરીકે સન્માનિત કરવામાં આવે છે, જેથી લોકો તેમના બલિદાનને યાદ રાખી શકે. ગૌતમ બુદ્ધની મૂર્તિઓના માથા પર જે વાંકડિયા વાળ જેવી આકૃતિ હોય છે તે ખરેખર ગોકળગાય છે.
એક બીજી પણ કથા છે, જે અનુસાર જ્યારે ગૌતમ બુદ્ધ સાધનામાં લીન હતા, ત્યારે તેમના વાળ મોટા થયા હતા. ત્યારબાદ જ્યારે ઉનાળામાં ગરમી પડી ત્યારે ગૌતમ બુદ્ધના માથાના બધા વાળ બળી ગયા અને તે વાંકડિયા બની ગયા. આજે પણ વિશ્વના ઘણા એવા ગરમ પ્રદેશ છે, જ્યાં લોકોના વાળ ગરમીના કારણે વાંકડિયા હોય છે.