Mythology : જાણો, ભારતમાં રાક્ષસના નામ પરથી કયા કયા શહેરના પડ્યા છે નામ ? આ રસપ્રદ કથા

|

Jun 25, 2021 | 11:06 AM

ભગવાનના નામ પર પણ ઘણી જગ્યાઓનાં નામ જોયા હશે. પરંતુ ભારતમાં એવા પણ શહેરો છે, જેના નામ પ્રાચીનકાળના રાક્ષસો પર રાખવામાં આવ્યા છે.

આપણા દેશમાં મોટાભાગના શહેરો, રસ્તા અને સ્થળોના નામ મહાન વ્યક્તિઓ, ક્રાંતિકારીઓ, રાજકારણીઓ અને શહીદોના નામ પર રાખવામાં આવે છે. ભગવાનના નામ પર પણ ઘણી જગ્યાઓનાં નામ જોયા હશે. પરંતુ ભારતમાં એવા પણ શહેરો છે, જેના નામ પ્રાચીનકાળના રાક્ષસો પર રાખવામાં આવ્યા છે.

મૈસુર

બધા જ જાણે છે કે મા દુર્ગાએ અસુર મહિષાસૂરનો વધ કર્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવું સ્થળ છે, જ્યાં મહિષાસુરની પૂજા થાય છે અને તેના નામ પર શહેરનું નામ પણ રાખવામાં આવ્યું છે. તે છે ભારતનું પ્રખ્યાત અને પરંપરાગત શહેર ‘મૈસુર’. પુરાણ કથામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહિષાસુર એક રાક્ષસ હતો,

પરંતુ તેમાં ઘણા સારા ગુણો હતા, તેથી કર્ણાટકના આ ઐતિહાસિક શહેરનું નામ મૈસુર રાખવામાં આવ્યું છે. મહિષાસૂરના સમયે તેને મહિષા-ઉરુ કહેવામાં આવતું હતું, બાદમાં તે મહિશુરુ અને ત્યારબાદ કન્નડમાં તેને મૈસુરુ કહેવાયું. જેને હવે મૈસુર તરીકે ઓળખવામાં આવે છે. અહીંની લોકવાયકા અનુસાર મહિષાસૂરનો વધ માતા ચામુંડેશ્વરીએ કર્યો હતો. મૈસુરમાં એક પહાડીનું નામ ચામુંડેશ્વરી દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે અને આ પહાડી પર મહિષાસુરાની મૂર્તિ રાખવામાં આવી છે.

જલંધર

પદ્મ પુરાણ, શિવ પુરાણ અને સ્કંદ પુરાણમાં દૈત્યરાજ જાલંધરના જન્મ વિશે વર્ણન છે. શિવપુરાણના શ્રી રુદ્ર સંહિતામાં પંચમ ખંડના 14 માં અધ્યાયમાં, ઉલ્લેખ છે કે દેવરાજ ઇન્દ્ર અને બૃહસ્પતિજી જ્યારે શિવને મળવા કૈલાસ આવ્યા હતા, ત્યારે ત્યાં સન્માન ન મળતાં ઇન્દ્રએ ભગવાન શંકરનું અપમાન કર્યું હતું. આ કારણે ક્રોધિત ભગવાન શંકર તાંડવની મુદ્રામાં આવ્યા. ડરી ગયેલા દેવરાજ ઇન્દ્ર છુપાઈ ગયા અને દેવલોકમાં હાહાકાર મચી ગયો. ભગવાન શંકરની ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ થયો અને તેમાંથી એક બાળકનો જન્મ થયો હતો. તે સમયે સમુદ્રમાં તોફાન અને તેની લહેરો પર આ બાળકને આશ્રય મળ્યો. આ જ બાળક મોટો થયો અને ક્રૂર રાક્ષસ જાલંધરના નામથી પ્રખ્યાત થયો.

એક સમયે શંકર ભગવાન અને જાલંધર વચ્ચે યુદ્ધ થયું હતું અને અંતે તેમાં જાલંધરનો વધ થયો હતો. પુરાણો અનુસાર જાલંધરનું શિરચ્છેદ કરવામાં આવ્યું હતું અને તે જ્વાલાજીમાં પડ્યું હતું. તેનું વિશાળ ધડ અહીં પડ્યું અને તેના પર જ એક નગરનો ઉદય થયો, જે આજે જલંધરના નામથી ઓળખાય છે.

ગયા

કથા અનુસાર ગયા નામના અસુરે ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરી અને એક વરદાન પ્રાપ્ત કર્યું હતું. જે મૂજબ જે કોઈ વ્યક્તિ તેનો સ્પર્શ કરે છે, તો તે પવિત્ર થઈ જશે અને વિષ્ણુલોકને પ્રાપ્ત કરશે. આ વરદાનથી યમલોક નિર્જન બન્યો અને વિષ્ણુલોકમાં અધર્મિ લોકો જવા લાગ્યા. ત્યારબાદ યમરાજે ત્રિદેવને વિનંતી કરી અને બ્રહ્માજીએ ગયાસુરને કહ્યું કે, તમારું શરીર પવિત્ર છે, તેથી બધા દેવતાઓ ઇચ્છે છે કે તમારી પીઠ પર હવન-પૂજન થાય. આ સાંભળીને ગયાસુર ખુશ થયો અને આ રીતે ભગવાન વિષ્ણુ સહિત બધા દેવો તેની પીઠ પર સ્થિત થયા. આમ, ભગવાન નારાયણે બ્રહ્માજી દ્વારા ગયાસુરનું શરીર માંગી લિધું હતું.

ભગવાન વિષ્ણુએ ગયાસુરને કહ્યું કે, તારો દેહ મોક્ષસ્થળના રૂપમાં થશે. અહીં જે વ્યક્તિ ભજન, ભક્તિ, યજ્ઞ, શ્રાદ્ધ, પિંડદાન, સ્નાન વગેરે કરશે તેને સ્વર્ગ અને બ્રહ્મલોકની પ્રાપ્તિ થશે. આ રીતે પાંચકોશનું ગયા ક્ષેત્ર મોક્ષતીર્થ બન્યું અને ગયાસુર રાક્ષસના નામથી તે ગયાના નામથી ઓળખાય છે.

પલવલ

પલવલ એ હરિયાણાનું એક મોટું શહેર છે. તેનું નામ ‘પલંબાસુર’ નામના રાક્ષસ પરથી પડ્યું છે. પ્રાચીન સમયમાં આ શહેરને પલંબરપુર પણ કહેવામાં આવતું હતું. સમય જતાં પલવલ નામ પડ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ પલવલમાં પલંબાસુરનો વધ કર્યો હતો. પલંબાસુર રાક્ષસ ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજીને રમવાના બહાને અહીં લાવ્યા હતા અને તે કપટથી બલરામજીને મારી નાખવા માંગતો હતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને તેના આ ષડયંત્રની જાણ થઈ ત્યારે તેમણે અહી પલંબાસુરનો વધ કર્યો હતો. એવું કહેવાય છે કે પલંબાસુર રામાયણના મારીચ અસુરનો વંશજ હતો.

તિરુચિરાપલ્લી

તિરુચિરાપલ્લી તમિલનાડુનો એક જિલ્લો છે. જે ચેન્નાઈથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર છે. તમિલનાડુના આ શહેર તિરુચિરાપલ્લીનું નામ રાક્ષસ ‘થિરીસિરન’ પર રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ શહેરમાં રાક્ષસ થિરીસિરને ભગવાન શિવની કઠોર તપશ્ચર્યા કરી હતી. આ કારણોસર આ શહેરનું નામ થિરી-સિકરપુરમ પડ્યું હતું, જે બાદમાં થિરીસિરપુરમ બન્યું અને હવે તે તિરુચિરાપલ્લી તરીકે ઓળખાય છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ વાંચો : Rath Yatra 2021 : શું તમને ખબર છે કે શા માટે થાય છે જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક ? આ રસપ્રદ કથા

Published On - 8:40 am, Fri, 25 June 21

Next Video