જાણો નવાપુરાના જૂના બહુચરધામનો મહિમા, અહીં દર્શન માત્રથી થશે દિવ્ય આનંદની અનુભૂતિ !

|

Apr 06, 2022 | 12:44 PM

માન્યતા અનુસાર આ એ સ્થાન છે કે જે મા બહુચરને અત્યંત પ્રિય છે. અસુર દંઢકના વધ બાદ માતા અહીં જ પધાર્યા હોવાની લોકવાયકા છે. અહીં મા બહુચર સ્વયં પ્રસન્નતાને પામ્યા છે. અને સાથે જ તે પ્રસન્નતાની અનુભૂતિ માતા ભક્તોને પણ કરાવી રહ્યા છે !

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ ત્હારો મા ।

બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા ।।

મા પાસે ભક્તોને ભલાં બીજી તો શું અપેક્ષા હોય ? બસ, એ જ કે બાળ સરીખાં તેના ભક્તો પર દેવી(devi) સદૈવ તેનો વાત્સલ્યપૂર્ણ હાથ વિદ્યમાન રાખે. અને જીવનમાં આવનાર તમામ સંકટો સામે ટકવાનું તેમને સામર્થ્ય આપે.
ત્યારે આજે અમારે આપને એક એવાં જ સ્થાનકની વાત કરવી છે કે જ્યાં ભક્તોને થઈ રહી છે માતાના આ જ પરમ વાત્સલ્યની અનુભૂતિ. આ સ્થાન એટલે અમદાવાદના ગીતામંદિર રોડ પર સ્થિત “નવાપુરાના જૂના બહુચરધામ” મંદિર. તેના નામની જેમ જ આ સ્થાનક એ અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચરધામ મનાય છે. અને કહે છે કે આ એ જ સ્થાન છે કે જ્યાં માતાના આનંદના ગરબાની રચના થઈ હતી !

નવાપુરાના મા બહુચરનું મંદિર તો સદૈવ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું જ રહ્યું છે. અહીં મંદિરના ગર્ભગૃહમાં માતા બહુચરાનું અત્યંત તેજોમય અને ભાવવાહી રૂપ પ્રસ્થાપિત થયું છે. બાળા ત્રિપુર સુંદરીનું આ રૂપ એટલું તો સુંદર ભાસે છે કે તેમના નિત્ય દર્શન વિના ભક્તોને શાંતિ જ નથી મળતી. કહે છે કે કંઈ માંગ્યા વિના જ ભક્તોની ખાલી ઝોળીને ખુશીઓથી ભરી દે છે મા બહુચરા.

પૌરાણિક કથા અનુસાર દંઢક નામના અસુરનો વધ કરી દેવી સ્વયંની ઈચ્છાથી અહીં વિશ્રામ અર્થે પધાર્યા હતા. દેવીના વિશ્રામનું આ સ્થાન આજે માનસરોવર તરીકે ખ્યાત છે. કે જેના દર્શન વિના અહીંની યાત્રા અપૂર્ણ મનાય છે. માન્યતા અનુસાર આ એ સ્થાન છે કે જે મા બહુચરને અત્યંત પ્રિય છે. અહીં મા બહુચર સ્વયં પ્રસન્નતાને પામ્યા છે. અને સાથે જ તે પ્રસન્નતાની અનુભૂતિ માતા ભક્તોને પણ કરાવી રહ્યા છે.

વલ્લભ ભટ્ટ એ મા બહુચરના પરમ ભક્ત હોવાનું તો સૌ કોઈ જાણે છે. પણ, ઘણાં ઓછાને એ ખ્યાલ હશે કે વલ્લભ ભટ્ટને નવાપુરાના બહુચર મંદિરમાં જ મા બહુચરાનો પ્રથમ સાક્ષાત્કાર થયો હતો ! એટલું જ નહીં, આ જ મંદિરમાં માત્ર 11 વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી હતી ! એ દૃષ્ટિએ પણ ભક્તોને મન આ સ્થાન પ્રત્યે સવિશેષ આસ્થા જોવા મળે છે.

માની કૃપાથી જે ભક્તોની કામના પરિપૂર્ણ થઈ છે તે શ્રદ્ધાળુઓ અહીં કૂકડાં રમતા મૂકે છે. તો, અમાસના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ગોખના લાડુ ભરવા આવે છે. માન્યતા અનુસાર એવું ક્યારેય નથી બનતું કે તમે આસ્થા સાથે કંઈ માંગ્યું હોય અને માતાએ તે ન આપ્યું હોય.

 

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : મા અંબા ભવાની એટલે ગિરનાર ક્ષેત્રની અધિષ્ઠાત્રી, જાણો સ્થાનક કેમ કહેવાયું ઉદયનપીઠ ?

આ પણ વાંચો : દરેક સમસ્યાનું સમાધાન છે દુર્ગા ચાલીસા ! અત્યારે જ જાણી લો આ ચમત્કારિક ફળ

Next Video