
સોશિયલ મીડિયાની ઘેલછામાં લોકો ક્યારેક પોતાની અને પોતાના સ્વજનોની જિંદગી પણ જોખમમાં મૂકી દે છે. દરિયાકિનારેથી સામે આવેલો એક ચોંકાવનારો વીડિયો આ કડવી હકીકત દર્શાવે છે. ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પતિ-પત્ની દરિયાની ઉછળતી લહેરો વચ્ચે રીલ બનાવવામાં એટલાં મશગૂલ દેખાય છે કે તેમને પોતાની જ માસૂમ બાળકી દરિયાના પાણીમાં તણાઈ રહી હોવાનો અહેસાસ પણ થતો નથી. સદનસીબે, સમયસર ત્યાંથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વ્યક્તિની નજર બાળકી પર પડી હતી અને એક મોટો અકસ્માત થતાં ટળી ગયો હતો.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ દરિયાકિનારે ફરતાં-ફરતાં રીલ બનાવી રહ્યું છે. પતિના હાથમાં સેલ્ફી સ્ટિક છે અને તે વીડિયો ઉતારી રહ્યો છે, જ્યારે તેની પત્ની હસતાં-હસતાં અલગ-અલગ પોઝ આપી રહી છે. મહિલાએ પોતાની નાનકડી બાળકીનો હાથ ઢીલી રીતે પકડ્યો હોય છે. એવામાં દરિયાની એક જોરદાર લહેર આવે છે. જેના કારણે બાળકીનો હાથ માતાની પકડમાંથી છૂટી જાય છે અને તે પાણીમાં પડી જાય છે. તેમ છતાં મહિલાનું ધ્યાન કેમેરા પર જ રહે છે અને તે પોઝ આપવામાં વ્યસ્ત રહે છે.
પાણીમાં પડ્યા બાદ દરિયાની લહેરો માસૂમ બાળકીને પાછળની તરફ ધકેલવા લાગે છે. બાળકી લહેરોના જોરદાર ધક્કા સહન કરતી રહે છે. પરંતુ રીલ બનાવવામાં મગ્ન માતા-પિતાને તેની જાણ થતી નથી. એવામાં ત્યાંથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વ્યક્તિની નજર આ બાળકી પર પડે છે. તે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ પાણી તરફ દોડે છે. બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢે છે અને તેના માતા-પિતાને બૂમ પાડીને તેમની બેદરકારી તરફ ધ્યાન દોરે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો X દ્વારા @MenTooSave યુઝરે શેર કર્યો છે.